Vadodara

સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૭

વડોદરા :- મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના વડોદરાના સમા વિસ્તારમાં સામે આવી છે. પોતાની સુરક્ષા જોખમાતી જોઈને એક ૫૩ વર્ષીય પ્રોઢાએ અપ્રતિમ હિંમત બતાવી ચાલુ રિક્ષામાંથી કૂદકો મારી દીધો હતો. હાલ ઇજાગ્રસ્ત મહિલા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના સમા વિસ્તારમાં આવેલી આકાશગંગા સોસાયટીમાં રહેતાં ૫૩ વર્ષીય દમયંતીબેન છગનભાઈ ગોહિલ ગતરોજ એક રિક્ષામાં બેસીને જઈ રહ્યાં હતાં. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલકે અચાનક નિર્ધારિત રૂટ બદલી નાખ્યો હતો અને રિક્ષાને કોઈ અજાણ્યા, સૂમસામ રસ્તા તરફ હંકારી મૂકી હતી. દમયંતીબેને રસ્તો બદલાતો જોઈ રિક્ષા ચાલકને ટોક્યો હતો, પરંતુ ચાલકે રિક્ષા ઊભી રાખવાને બદલે ઝડપ વધારી દીધી હતી.

અજાણ્યા રસ્તા અને રિક્ષા ચાલકના શંકાસ્પદ ઈરાદા જોઈ દમયંતીબેન ભારે ગભરાઈ ગયા હતા. પોતાનું અપહરણ થઈ રહ્યું હોવાની કે જીવનું જોખમ હોવાની આશંકા વચ્ચે, તેમણે સ્વબચાવ માટે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હિંમતપૂર્વક હરણી કેનાલ પાસેથી પસાર થતી ચાલુ રિક્ષામાંથી નીચે કૂદકો મારી દીધો હતો.

ચાલુ વાહને રોડ પર ફેંકાઈ જવાને કારણે દમયંતીબેનને શરીરે અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા પ્રોઢાને જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇમરજન્સી ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી પ્રોઢાને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

રિક્ષા ચાલકોની જોહુકમી ક્યારે અટકશે ? વડોદરા જેવા શાંત શહેરમાં બનેલી આ ઘટનાએ સાંસ્કૃતિક નગરીની કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ખડા કર્યા છે. ઓટો રિક્ષા ચાલકો દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણૂક કે આવા શંકાસ્પદ કૃત્યોના કિસ્સાઓ વધી રહ્યા છે. પોલીસે આ મામલે તાત્કાલિક ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તે રિક્ષા ચાલકને દબોચી લેવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ બહેન-દીકરી સાથે આવી ઘટના ન બને.

Most Popular

To Top