( પ્રતિનિધિ )વડોદરા,તા.19
અટલાદરા વિસ્તારની અવધ ઉપવન સોસાયટીમાં બારેમાસ ચાલતી વીજ સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 300 મકાનો ધરાવતી સોસાયટીમાં 7 હજારથી વધુ લોકો શિયાળો, ઉનાળો કે ચોમાસુ દરેક સિઝનમાં વીજળીના ધાંધિયાથી પરેશાન છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી અવધ ઉપવન સોસાયટીના રહીશો વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી જીઈબીમાં સતત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ફરિયાદ કરતાં આગળથી વાયર કપાઈ જાય તો અમે શું કરીએ તેવો ઉડાઉ જવાબ અધિકારીઓ આપતા હોવાનો આક્ષેપ છે. રાત્રે બબ્બે વાગ્યા સુધી લાઈટ ન આવતી હોવાથી નાગરિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યામાં ઓવર લોડને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે, જેના કારણે એસી, વોશિંગ મશીન, ફ્રિજ જેવા મોંઘા ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બગડી ગયા છે. રહીશોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, સરકારને અમે નિયમિત બિલ ભરીએ છીએ તો આ સમસ્યા તાત્કાલિક ઉકેલવી જ પડે. વારંવાર રજૂઆત બાદ પણ કોઈ સાંભળતું ન હોવાથી હવે સોસાયટીની મહિલાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે મહિલાઓ જીઈબી કચેરીએ મોરચો માડીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.