Vadodara

CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર

92 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી સીએ બનવાની સિદ્ધિ મેળવી

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

આઈસીએઆઈ દ્વારા જાહેર થયેલા સીએ ફાઈનલ મે 2026ના પરિણામમાં વડોદરા બ્રાન્ચનું એકંદર પરિણામ 14.70% નોંધાયું છે. કુલ 626 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 92 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. બંને ગ્રુપમાં 191 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 21 વિદ્યાર્થીઓ એટલે કે 10.99% પાસ થયા છે.

માત્ર ફર્સ્ટ ગ્રુપમાં 277 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 21 એટલે કે 7.58% પાસ થયા, જ્યારે સેકન્ડ ગ્રુપમાં 158માંથી 28 વિદ્યાર્થીઓ પાસ થતાં 17.72% પરિણામ આવ્યું છે. વડોદરા બ્રાન્ચના સિટી ટોપર્સમાં લક્ષ્મણ ધર્મેશ ખડકા 350 માર્ક્સ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. શાહ જિયા સમીર અને કિર્તન કમલેશભાઈ પ્રજાપતિ 345 માર્ક્સ સાથે સંયુક્ત બીજા ક્રમે રહ્યા. કાર્ણિક દેવાંગ ભાવેશભાઈ 330 માર્ક્સ સાથે ત્રીજા, જ્યારે મોહમદઅમાન મહમ્મદસલીમ રંગરેજ, દોશી ધૈર્ય ગિરીશકુમાર અને ક્રિતિકા મુકેશ શાહ 329 માર્ક્સ સાથે સંયુક્ત ચોથા ક્રમે રહ્યા છે. ઓલ ઇન્ડિયા રિઝલ્ટની સરખામણીએ વડોદરાનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. દેશભરમાં ગ્રુપ-1નું પરિણામ 12%, ગ્રુપ-2નું 20.49% અને બંને ગ્રુપનું 14.07% રહ્યું છે, જ્યારે વડોદરામાં બંને ગ્રુપનું પરિણામ 10.99% અને ગ્રુપ-2નું 17.72% નોંધાયું છે.

ક્યારેય કલાકો ગણીને વાંચ્યું નથી. બસ, સફળતા માટે ખૂબ સખત પરિશ્રમ કર્યો છે :

વડોદરામાં પ્રથમ ક્રમ મળવાથી હું ખૂબ ખુશ છું. પણ સાચું કહું તો, મહેનતનું કોઈ ચોક્કસ માપદંડ હોતું નથી. મેં ક્યારેય કલાકો ગણીને વાંચ્યું નથી. બસ, સફળતા માટે ખૂબ સખત પરિશ્રમ કર્યો છે. મારું અંતિમ ધ્યેય ક્યારેય પહેલો નંબર લાવવાનું નહોતું. મારો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે હું જે પણ ભણું તે બરાબર સમજું અને એક CA તરીકે જે જ્ઞાન જરૂરી છે તે મેળવી શકું. આ જ અભિગમથી મેં પહેલા જ પ્રયાસમાં સફળતા હાંસલ કરી. સોશિયલ મીડિયા વિશે મારું માનવું છે કે આજે માહિતીનો અતિરેક છે. એટલે આપણે કઈ માહિતી ગ્રહણ કરવી તે બાબતે ખૂબ પસંદગીયુક્ત થવું જરૂરી છે. આ જ કારણથી હું સોશિયલ મીડિયાથી બને એટલો દૂર રહું છું, જેથી અભ્યાસ પર સંપૂર્ણ ફોકસ કરી શકું. મારે બસ શાંતિપૂર્ણ જીવન જીવવું છે અને મારા કામથી સમાજને ઉપયોગી થવું છે. : લક્ષ્મણ ખડકા, CA ફાઈનલ વડોદરા ટોપર

સ્કૂલ વાન ચલાવતા પિતાનો પુત્ર સીએ બન્યો :

મારી સફળતા પર મને ખૂબ ગર્વ છે કારણ કે હું મારી આખી પેઢીમાં પહેલો CA છું. પપ્પા સ્કૂલ વાન ચલાવે છે, ઘરની સ્થિતિ મજબૂત ન હતી, પણ તેમણે મારા ભણતરમાં ક્યારેય કોઈ ઓછપ આવવા દીધી નથી. બધા સારા ક્લાસીસ અને સગવડો પૂરી પાડી. તેમનો અથાગ પરિશ્રમ જોઈને મેં નક્કી કર્યું હતું કે મહેનતથી પરિવારની સ્થિતિ બદલીશ. રોજ જાગીને કન્સિસ્ટન્સીથી ભણ્યો. આજે પપ્પાના સંઘર્ષનો બદલો વાળીને લાગે છે કે તેમનું સપનું પૂરું થયું. : મોહમ્મદઅમાન મોહમ્મદસલીમ રંગરેજ, CA ફાઈનલ વડોદરા ચોથો ક્રમ

Most Popular

To Top