આજવા રોડ વિસ્તારમાં દરોડા દરમિયાન નશીલી દવાઓ મળીને રૂ. 91 હજારથી વધુનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો સપ્લાયર વોન્ટેડ
વડોદરા તા.17
વડોદરા શહેર એસઓજીએ આજવા રોડના દત્તનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડી નશાકારક કોડીનયુક્ત કફ સીરપ, ટ્રામાડોલ કેપસ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબ્લેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી રૂ. 96 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે દવાઓ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન એસઓજીની પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આજવા રોડ સ્થિત સયાજીપાર્ક-દત્તનગર વિસ્તારમાં રહેતો સતનામસિંગ મગનસિંગ ઉર્ફે દયાલસિંહ સિકલીગર પોતાના મકાનમાં પ્રતિબંધિત નશાકારક કોડીન કફ સીરપ અને અન્ય નશાકારક દવાઓનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરે છે.
બાતમીના આધારે એસઓજીની ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી કરીને મકાન પર રેઇડ કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી 128 બોટલ કોડીન કફ સીરપ, ટ્રામાડોલ કેપસ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ અધિકારીઓની પ્રાથમિક ચકાસણીમાં આ તમામ દવાઓ નશાકારક અને પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સતનામસિંગે આ જથ્થો વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા હિરલ અજીતભાઈ પંડયા પાસેથી ખરીદ કરી પોતાના ઘરે સંતાડી રાખ્યો હતો અને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે બંને સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કોડીન કફ સીરપની 128 બોટલો, ટ્રામાડોલ કેપસ્યુલ, આલ્પ્રાઝોલમ ટેબ્લેટ, વેચાણની રોકડ રકમ, બે મોબાઇલ ફોન સહિત રૂ. 96 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી અગાઉ દિલ્હી ખાતે ચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.