ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા સુધારાના માહોલ વચ્ચે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે તેમની મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. વાંગ યી 22 અને 23 જૂન દરમિયાન બે દિવસીય ભારત પ્રવાસ પર રહેશે અને 16મી બ્રિક્સ (BRICS) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ લેશે. મળતી માહિતી મુજબ, વાંગ યીની આ મુલાકાત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલના આમંત્રણ પર યોજાઈ રહી છે. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આ બેઠકમાં સુરક્ષા, વ્યૂહાત્મક સહકાર અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. વાંગ યી માત્ર ચીનના વિદેશ પ્રધાન જ નહીં પરંતુ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને સેન્ટ્રલ ફોરેન અફેર્સ કમિશનના ઓફિસના ડિરેક્ટર પણ છે. તેથી તેમની આ મુલાકાતને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગયા વર્ષે પણ વાંગ યી નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. ઓગસ્ટ 2025માં યોજાયેલી ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની 24મી બેઠક દરમિયાન તેમણે NSA અજિત ડોભાલ સાથે ચર્ચા કરી હતી. તે બેઠકમાં બંને દેશોએ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે સહમતિ વ્યક્ત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવાનું દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ખાસ કરીને 2020 બાદ સરહદ પર ઊભા થયેલા તણાવ પછી બંને દેશો વચ્ચે સંવાદ અને વિશ્વાસ વધારવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. તાજેતરના સમયમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકો બાદ બંને દેશો વચ્ચે સંવાદ વધુ સક્રિય બન્યો છે. ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાન શહેરમાં યોજાયેલી બેઠક અને ત્યારબાદ તિયાનજિનમાં થયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં જોવા મળેલી સકારાત્મક પ્રગતિનું સ્વાગત કર્યું હતું. બંને પક્ષોએ સહમતિ વ્યક્ત કરી હતી કે મતભેદો હોવા છતાં તેને વિવાદમાં ફેરવવા જોઈએ નહીં.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ભારપૂર્વક કહ્યું હતું કે ભારત અને ચીન હરીફ નહીં પરંતુ વિકાસના ભાગીદાર છે. બંને દેશોએ પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતાના આધારે સંબંધોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ભારત અને ચીન જેવા બે મોટા પડોશી દેશો વચ્ચે સ્થિર અને સહયોગપૂર્ણ સંબંધો માત્ર બંને દેશોના વિકાસ માટે જ નહીં, પરંતુ એશિયા અને સમગ્ર વિશ્વમાં બહુધ્રુવીય વ્યવસ્થાના નિર્માણ માટે પણ મહત્વપૂર્ણ છે. આવા સમયે વાંગ યીની ભારત મુલાકાતને બંને દેશો વચ્ચે વધતા સંવાદ અને સહકારના એક વધુ મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે. BRICS બેઠક દરમિયાન દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત વૈશ્વિક સુરક્ષા, આર્થિક સહકાર અને પ્રાદેશિક સ્થિરતા જેવા વિષયો પર પણ ચર્ચા થવાની સંભાવના છે.