Charchapatra

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ‘ઉકાઈ ડેમ’

પાણી માટે દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહેવાય તે ઉકાઈ ડેમ કુદરતની રહેમથી દર ચોમાસે ભરાતો રહે છે તેથી પાણીની બારેમાસ રેલમછેલ રહે છે. સમાચાર મુજબ આ વર્ષે હજુ પાણીનો પૂરતો સ્ટોક છે. ઉકાઈ ડેમ બન્યા ને લગભગ 55 વર્ષ થયાં છે તો આટલાં વર્ષમાં ડેમમા કેટલાય ફૂટનું પુરાણ પણ થયું હશે  તે ગણતરી કરીએ તો એટલું પાણી ઓછું હશે. જો ભવિષ્યમાં એકાદ બે ચોમાસાં નબળાં ગયાં તો પછી વધતી વસ્તીને જોતાં આપણે પાણીની તંગીનો સામનો કરવો પડશે.  તે જોતાં વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા માટે અન્ય વિકલ્પ વિષે અત્યારથી જ તૈયારી કરવી જોઇએ.

ભૂગર્ભનુ ઘણું પાણી આપણે કૂવા અને બોરથી  ખેંચી વાપરી ચૂક્યાં છીએ અને વરસાદનું પાણી હવે જમીન ખુલ્લી ન હોવાથી જમીનમા પૂરું ઊતરતું નથી પરિણામે પાણી સીધું દરિયામાં વહી જાય છે. વરસાદનું વધુમાં વધુ પાણી સિસ્ટમ બનાવી ફરી જમીનમાં ઊતારી  સંગ્રહ કરવો જરૂરી છે. ભૂગર્ભ જળસ્તર વધશે  તો તે  જરૂર પડે ત્યારે  ઉપયોગમાં લઈ શકાય (ભૂગર્ભમાં સંગ્રહાયેલું પાણી  એક ડેમ સમાન જ ગણી શકાય) બદલાયેલા વૈશ્વિક વાતાવરણથી હવે ઋતુચક્રને ગંભીર અસર થઇ છે. વર્ષોથી વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપતા હતા તે હવે ખરી પુરવાર થઈ રહી છે. જો આવનાર સમયમાં પાણીનો વધુ સંગ્રહ ન કરી શકીયએ  અને પાણી-વપરાશમાં નિયંત્રણ નહીં રાખીએ તો પછી આપણે પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
સુરત     -વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top