India

‘મન કી બાત’માં PM મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકથી જનગણના સુધી કરી વાત, મોઢેરા અને સોમનાથનો પણ કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 138મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 27 સપ્ટેમ્બરના આ કાર્યક્રમમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકની 10મી વર્ષગાંઠ, દેશની જનગણના, અશોક સિંહલની જન્મશતાબ્દી, સોમનાથ અને મોઢેરાના ઐતિહાસિક વારસા, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, નશામુક્ત યુવા અભિયાન, રમતગમતમાં પ્રતિભાની શોધ, આમળાં આધારિત સ્થાનિક ઉદ્યોગો, પોષણ અને ગણેશ ભક્તિ જેવા વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. સંબોધનની શરૂઆતમાં તેમણે 2016ની સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 28 અને 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતે આતંકવાદ સામે પોતાની નીતિ અંગે સમયાંતરે સંદેશ આપ્યો છે.

તેમણે 13 સપ્ટેમ્બર 2008ના દિલ્હીના સિરિયલ બ્લાસ્ટ અને ત્યારબાદ થયેલા મુંબઈના 26/11 હુમલાને પણ યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે અગાઉ આતંકવાદી હુમલાઓ બાદ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માગ થતી હતી, જ્યારે હવે ભારત આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહ્યું છે. આ વર્ષે અમેરિકાના 9/11 આતંકવાદી હુમલાને 25 વર્ષ પૂર્ણ થયા હોવાનો ઉલ્લેખ કરીને મોદીએ હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ ન્યૂયોર્કમાં હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.

ત્યારબાદ વડાપ્રધાને દેશની જનગણના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે જનગણનાના પ્રથમ તબક્કાનું કામ દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા પ્રમાણમાં પૂર્ણ થઈ ગયું છે અને 32 કરોડથી વધુ પરિવારોની માહિતી નોંધાઈ ચૂકી છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મોદીએ લોકોને જનગણનામાં પોતાની માહિતી સ્વયં નોંધાવવા માટે પણ અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, મોબાઇલથી જનગણનાની ઓનલાઈન પ્રક્રિયા કરી શકાય છે અને આ સુવિધા 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 2.60 કરોડથી વધુ લોકોએ મોબાઇલ દ્વારા પોતાની માહિતી નોંધાવી છે.

આ એપિસોડમાં તેમણે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંહલને પણ યાદ કર્યા હતા. 27 સપ્ટેમ્બર 1926ના રોજ આગ્રામાં જન્મેલા અશોક સિંહલની આ વર્ષે જન્મશતાબ્દી છે. મોદીએ તેમના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યને યાદ કરતાં કહ્યું કે તેમણે પોતાનું જીવન સમાજ અને સંસ્કૃતિ માટે સમર્પિત કર્યું હતું. તેમણે રામજન્મભૂમિ આંદોલનમાં સિંહલની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ સોમનાથ અને મોઢેરા સૂર્ય મંદિરના ઈતિહાસની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે 1026માં મહમૂદ ગઝનીના સોમનાથ મંદિર પરના હુમલાને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ જ સમયગાળામાં મોઢેરાના સૂર્ય મંદિર પર પણ હુમલો થયો હતો. મોદીએ જણાવ્યું કે મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ રાજા ભીમદેવે કરાવ્યું હતું.

મોઢેરાના ઈતિહાસની વાત કરતાં તેમણે તેના આધુનિક સ્વરૂપનો પણ ઉલ્લેખ કર્યો. આજે મોઢેરા સોલાર વિલેજ તરીકે ઓળખાય છે અને સૌર ઊર્જાના ઉપયોગ માટે જાણીતું છે. મોદીએ લોકોને મોઢેરાની મુલાકાત લેવા અને તેના ઐતિહાસિક વારસાને નજીકથી જોવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીના મનપ્પારાઈમાં પ્રાચીન વારસાને શોધવાના પ્રયાસની પણ વાત કરી હતી. તેમણે એ. સેલ્વારાજુ નામના શિક્ષક અને તેમના વિદ્યાર્થીઓના પ્રયાસનો ઉલ્લેખ કર્યો. એક વિદ્યાર્થી પાસેથી પ્રાચીન પ્રતિમાઓ અંગે માહિતી મળ્યા બાદ તેમણે સ્થળ મુલાકાતનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ પ્રાચીન પ્રતિમાઓ અને મંદિરો અંગે માહિતી મળી હતી.

સ્વચ્છતા અંગે વાત કરતાં મોદીએ 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ આવતી હોવાથી લોકોને સ્વચ્છતાના પ્રયાસોને આગળ વધારવા અપીલ કરી હતી. તેમણે મધ્ય પ્રદેશમાં નદીની સફાઈ કરતા યુવાનો, આંધ્ર પ્રદેશમાં જૂની વાવ અને કૂવાની સફાઈ કરતા લોકો, મુંબઈમાં દરિયાકિનારા સાફ કરતા યુવાનો તેમજ દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સ્વચ્છતા માટે કામ કરતા બાળકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે આવા પ્રયાસોમાં ઘણી વખત શરૂઆત એક વ્યક્તિથી થાય છે અને ત્યારબાદ ધીમે-ધીમે વધુ લોકો જોડાતા જાય છે. તેમના મતે આ જ જનભાગીદારી છે. તેમણે મહાત્મા ગાંધીને સ્વચ્છતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવાની વાત કરી હતી.

પર્યાવરણ સંરક્ષણના મુદ્દે તેમણે આસામની સોનાઈ રૂપાઈ વાઈલ્ડલાઈફ સેન્ચુરીનું ઉદાહરણ આપ્યું. અહીં એક સમયે હાથીઓની મોટી અવરજવર હતી, પરંતુ માનવીય દખલ વધતાં હાથીઓ દૂર થઈ ગયા હતા. ત્રણ વર્ષ પહેલાં વિસ્તારને અતિક્રમણથી મુક્ત કરાયા બાદ હવે હાથીઓ ફરી અહીં જોવા મળી રહ્યા હોવાનું મોદીએ જણાવ્યું. આસામમાં જ પિગ્મી હોગના સંરક્ષણ અંગે પણ તેમણે વાત કરી હતી. માત્ર છ પિગ્મી હોગથી શરૂ થયેલા સંરક્ષણ કાર્યક્રમ બાદ તેમની સંખ્યા 190થી વધુ થઈ હોવાનું તેમણે જણાવ્યું. આ માટે ઘાસના મેદાનો તૈયાર કરવામાં આવ્યા અને પ્રાણીઓને ફરી જંગલમાં વસાવવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળના સુંદરવનની મહિલાઓના પ્રયાસનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે કેટલીક મહિલાઓ મેનગ્રુવના જંગલો તૈયાર કરી રહી છે. આ મહિલાઓમાંથી ઘણી એવી છે જેમણે વાઘના હુમલામાં પોતાના પતિ ગુમાવ્યા છે. મેનગ્રુવના વૃક્ષો આજે તેમના ગામો માટે કુદરતી સુરક્ષા કવચ બની રહ્યા છે અને મહિલાઓને આવકનું સાધન પણ મળી રહ્યું છે. નશામુક્ત ભારત અંગે મોદીએ દેશના યુવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા ‘નશામુક્ત યુવા અભિયાન’નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ અભિયાન 100 અઠવાડિયા સુધી ચાલશે. માય ભારતના વોલન્ટિયર્સ, NSSના યુવાનો, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ સામાજિક-આધ્યાત્મિક સંસ્થાઓ તેમાં જોડાઈ છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે અપીલ કરી હતી. અભિયાન હેઠળ એન્થમ, સ્લોગન રાઇટિંગ અને નુક્કડ નાટક જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં હેલ્થ ચેકઅપ અને ધ્યાન શિબિર જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે.

રમતગમત અંગે મોદીએ લાલ કિલ્લા પરથી જાહેર કરેલા ટેલેન્ટ હન્ટ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતને રમતગમતમાં વધુ આગળ લઈ જવા માટે ગામડાં અને નાના શહેરોમાં છુપાયેલી પ્રતિભાને શોધવી જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે પંજાબના હોકી ખેલાડી અને કોચ રાજિન્દરસિંહના પ્રયાસોની પ્રશંસા કરી હતી. 1980ની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સભ્ય રહેલા રાજિન્દરસિંહે બાદમાં કોચ તરીકે પણ કામ કર્યું હતું. હવે તેઓ હોકી એકેડમીના માધ્યમથી ગામડાંના બાળકોમાં પ્રતિભા શોધવા અને તેમને તાલીમ આપવા માટે કામ કરી રહ્યા છે. મોદીએ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં આમળાં આધારિત ઉદ્યોગોની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે પ્રતાપગઢ અને આમળાંનો સંબંધ લાંબા સમયથી છે અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ પહેલથી સ્થાનિક ઉદ્યોગોને વેગ મળ્યો છે. આજે જિલ્લામાં આમળાંની પ્રક્રિયા કરતા આશરે 100 એકમો કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું.

આમળાંમાંથી કેન્ડી, મુરબ્બો, જ્યુસ, અથાણું અને પાચક ચૂર્ણ જેવી વસ્તુઓ બનાવવામાં મહિલાઓના સ્વસહાય જૂથો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મશીનરી, લોન અને બજાર સુધી પહોંચ મળવાથી કેટલીક મહિલાઓની આવકમાં વધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પોષણના મુદ્દે મોદીએ સપ્ટેમ્બર મહિનો પોષણ માહ તરીકે મનાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. છત્તીસગઢમાં ‘હર ઘર મુનગા-ઘર ઘર મુનગા’ અભિયાન, ગુજરાતમાં જાડા ધાનમાંથી બનતી વાનગીઓની સ્પર્ધા, મહારાષ્ટ્રમાં પોષણ અંગે જાગૃતિ અને મિઝોરમમાં પોષણ વાટિકાની દેખરેખ જેવા પ્રયાસોનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. તેમણે જણાવ્યું કે આંગણવાડી કેન્દ્રોને ‘પોષણ ટ્રેકર’ સાથે ડિજિટલ રીતે જોડવામાં આવ્યા છે અને લગભગ નવ કરોડ લાભાર્થી તેમાં નોંધાયેલા છે. આ વ્યવસ્થાથી બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓની દેખરેખમાં મદદ મળી રહી છે.

કાર્યક્રમના અંતમાં મોદીએ ગણેશ ઉત્સવ અને ભગવાન ગણેશ સાથે જોડાયેલી વૈશ્વિક આસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે થાઈલેન્ડના પંથૌન થીરખાનોનનું ઉદાહરણ આપ્યું, જેમણે ભગવાન ગણેશ સાથે જોડાયેલી પરંપરાઓનો લાંબા સમયથી અભ્યાસ કર્યો છે. તેમણે 2002માં ચિયાંગ માઈમાં ગણેશ હિમાલ મ્યુઝિયમની સ્થાપના કરી હતી, જ્યાં 10 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓ હોવાનું મોદીએ જણાવ્યું. આ ઉદાહરણ દ્વારા મોદીએ કહ્યું કે ભારતની આસ્થા, કલા અને સાંસ્કૃતિક પરંપરાઓ દેશની બહાર પણ લોકો સાથે જોડાઈ રહી છે. તેમણે દેશવાસીઓને આગામી તહેવારોની શુભેચ્છા પાઠવી અને ‘મન કી બાત’ માટે લોકોને પોતાની આસપાસના સકારાત્મક પ્રયાસોની માહિતી મોકલતા રહેવા અપીલ કરી હતી.

Most Popular

To Top