Editorial

વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે

આખા દેશમાં હાલમાં વિકાસની આંધળી દોડમાં પદયાત્રી હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે. આ મુદ્દે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો કે ‘રાહદારીનો ચાલવાનો અધિકાર વાહનો કરતાં વધુ મહત્વનો છે’, તેણે ભારતના આધુનિક શહેરી આયોજન સામે એક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતીય બંધારણે દેશના દરેક નાગરિકને સમાનતા અને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર આપ્યો છે. પરંતુ, જ્યારે વાત આપણા આધુનિક ગણાતા શહેરોના રસ્તાઓ પર પગપાળા ચાલવાની આવે છે, ત્યારે આ અધિકાર જાણે લક્ઝુરિયસ ગાડીઓ અને બેફામ દોડતા વાહનોના ધુમાડામાં ક્યાંક ખોવાઈ જાય છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે, ‘ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે’ અને તે બંધારણના આર્ટિકલ 19(1)(d) (મુક્તપણે ફરવાનો અધિકાર) અને આર્ટિકલ 21 (જીવવાનો અધિકાર) અંતર્ગત સુરક્ષિત છે.

આ ઐતિહાસિક ચુકાદાનું મૂળ વર્ષ ૨૦૧૬ની એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં રહેલું છે. શાળાએ જઈ રહેલા એક પાંચ વર્ષના માસૂમ બાળકને પાછળથી આવતા એક બેફામ ટેન્કરે કચડી નાખ્યો હતો. આ દુર્ઘટના પાછળ માત્ર ડ્રાઈવરની બેદરકારી નહોતી, પરંતુ જે રસ્તા પર બાળક ચાલી રહ્યું હતું ત્યાં પગપાળા ચાલનારાઓ માટે કોઈ ફૂટપાથ કે સુરક્ષિત ક્રોસિંગની વ્યવસ્થા જ નહોતી. સર્વોચ્ચ અદાલતે આ કેસના માધ્યમથી દેશના સમગ્ર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પદયાત્રીઓની સુરક્ષા અંગે એક વ્યાપક ચિંતા વ્યક્ત કરી છે.

જો કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે – કોર્ટની આ ટિપ્પણી સ્થાનિક નગર નિગમો, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે જવાબદારીનું નવું પ્રકરણ ખોલે છે. આપણે કેવા શહેરોનું નિર્માણ કરી રહ્યા છીએ? આજના આયોજકો માટે રસ્તા પહોળા કરવાનો અર્થ ફૂટપાથોને સાંકડી કરવી અથવા તો તેને સાવ ગાયબ કરી દેવી એવો થઈ ગયો છે. રસ્તા ક્રોસ કરવા માટે ઝેબ્રા ક્રોસિંગ કાં તો ભૂંસાઈ ગયા હોય છે અથવા વાહનચાલકો તેના પર જ ગાડીઓ ઊભી રાખતા હોય છે.

સબ-વે કે ફૂટઓવર બ્રિજ એટલી અસુવિધાજનક જગ્યાએ અને એવી હાલતમાં હોય છે કે વયસ્કો, બાળકો કે દિવ્યાંગો તેનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામે, લોકોએ જીવના જોખમે મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે, અને જ્યારે અકસ્માત થાય છે ત્યારે વાંક માત્ર વાહનચાલકનો કે ચાલનારનો કાઢવામાં આવે છે, ગુનેગાર આયોજકોને તો કોઈ પકડતું જ નથી!ન જો કોઈ નસીબદાર વિસ્તારમાં ફૂટપાથ બનાવવામાં આવી પણ હોય, તો તેના પર પદયાત્રીઓ સિવાય દુનિયાની તમામ વસ્તુઓ જોવા મળશે. ફૂટપાથ પર દુકાનદારોના ગેરકાયદેસર બોર્ડ, લારી-ગલ્લાના દબાણો, પાર્ક કરેલા બાઇક કે કાર, અને સોનામાં સુગંધ ભળે તેમ પાવર ટ્રાન્સફોર્મર્સ કે કચરાપેટીઓ ગોઠવી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે એક નવો કાયદો બનાવવાની ભલામણ કરી છે.

આ કાયદા દ્વારા સ્થાનિક તંત્રોની જવાબદારી કાયદાકીય રીતે નક્કી થવી જોઈએ. જો કોઈ ફૂટપાથ પર દબાણ હોય અને તેના કારણે પદયાત્રીને રોડ પર ચાલવું પડે અને કોઈ દુર્ઘટના ઘટે, તો તેના માટે તે વિસ્તારના મ્યુનિસિપલ કમિશનર કે જવાબદાર એન્જિનિયર સામે ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ થવો જોઈએ. યુરોપના મોટા શહેરો જેવા કે પેરિસ, એમ્સ્ટરડેમ, કોપનહેગન અને લંડનમાં પ્રોજેક્ટ્સ એવા બની રહ્યા છે જેમાં કારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને રસ્તાઓ માત્ર ચાલનારાઓ તથા સાયકલ સવારો માટે અનામત રાખવામાં આવે છે. તેનાથી માત્ર અકસ્માતો જ નથી ઘટ્યા, પરંતુ હવાનું પ્રદૂષણ ઘટ્યું છે અને નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સુધર્યું છે.

ખરેખર તો સુપ્રીમ કોર્ટના આ આદેશને વાસ્તવિકતામાં બદલવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર છે: જેમાં કેન્દ્ર સરકારે વિલંબ કર્યા વિના એવો રાષ્ટ્રીય કાયદો બનાવવો જોઈએ જે દરેક સ્માર્ટ સિટી કે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં પદયાત્રીઓ માટે ઓછામાં ઓછી ૩૦% જગ્યા અનામત રાખવાનું ફરજિયાત બનાવે, ફૂટપાથ પરના દબાણો હટાવવા માટે નિયમિત ડ્રાઈવ થવી જોઈએ. દબાણ કરનારાઓ સામે એટલો ભારે દંડ હોવો જોઈએ કે તેઓ બીજી વાર ફૂટપાથ પર પગ મૂકતા ડરે, ફૂટપાથ એવી હોવી જોઈએ જે તૂટેલી-ફૂટેલી ન હોય અને વ્હીલચેર ફ્રેન્ડલી હોય, જેથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો પણ ગૌરવભેર ચાલી શકે, અકસ્માતના કિસ્સામાં માત્ર ડ્રાઇવર નહીં, રોડની ખરાબ ડિઝાઇન કે ફૂટપાથ ન હોવા બદલ સંબંધિત કોર્પોરેશન પર પણ દંડાત્મક ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો શાસકો અને વહીવટકર્તાઓ માટે એક અલાર્મ બેલ છે. ચાલવાનો અધિકાર એ માત્ર રસ્તા પરથી પસાર થવાનો અધિકાર નથી, એ વિકાસમાં સમાન હિસ્સેદારીનો અધિકાર છે.

Most Popular

To Top