યુવાધન સૌથી વધુ અસરગ્રસ્ત
ભારતમાં નશાનું વધતું જતું વ્યસન હવે ગંભીર સામાજિક અને આરોગ્ય સંકટ તરીકે સામે આવી રહ્યું છે. વિવિધ અહેવાલો મુજબ દેશની અંદાજે 147 કરોડની વસ્તીમાંથી લગભગ 37 કરોડ લોકો કોઈને કોઈ પ્રકારના નશાના બંધાણી બન્યા છે. એટલે કે દેશની કુલ વસ્તીના આશરે 25 ટકા લોકો દારૂ, ગાંજો, અફીણ, ચરસ, કોકેઈન અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરે છે.સંયુક્ત રાષ્ટ્રના ડ્રગ્સ એન્ડ ક્રાઇમ કાર્યાલય (UNODC)ના અહેવાલ મુજબ વર્ષ 2023 દરમિયાન 15થી 64 વર્ષની વયના અંદાજે 31.6 કરોડ લોકોએ દારૂ અને તમાકુ સિવાયના નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે નશાનું આ વધતું પ્રમાણ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશની અર્થવ્યવસ્થા માટે પણ મોટો પડકાર બની રહ્યું છે.
પંજાબમાં વ્યસનની ચિંતાજનક સ્થિતિ
નશાની સમસ્યાનો સૌથી ગંભીર ફટકો પંજાબ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. કપૂરથલાની એક મહિલાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેણે નશાના કારણે પોતાના ચાર પુત્રો ગુમાવ્યા હતા, જ્યારે પાંચમો પુત્ર પણ વ્યસનના કારણે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. બાદમાં તેના પાંચમા પુત્રનું પણ અવસાન થયું હોવાનું સામે આવ્યું હતું. ઘટના રાજ્યમાં નશાના વધતા પ્રભાવની કરૂણ હકીકત દર્શાવે છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ વર્ષ 2024માં પંજાબમાં જ ડ્રગ ઓવરડોઝના કારણે 106 લોકોના મોત નોંધાયા હતા. એટલે કે સરેરાશ દર ચાર દિવસે એક વ્યક્તિ નશાના કારણે પોતાનો જીવ ગુમાવે છે.
દેશની અર્થવ્યવસ્થાને કરોડોનું નુકસાન
નશાની લત માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે. નિષ્ણાતોના અંદાજ મુજબ નશાના કારણે ભારતની કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ને દર વર્ષે આશરે રૂ.1.5 લાખ કરોડનું નુકસાન થાય છે. આરોગ્ય સેવા, સારવાર, કાયદો-વ્યવસ્થા, ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો અને અન્ય પરોક્ષ ખર્ચને જોડવામાં આવે તો આ નુકસાન રૂ.1.60 લાખ કરોડથી પણ વધુ હોવાનું માનવામાં આવે છે.
યુવાધન સૌથી વધુ જોખમમાં
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય સર્વે મુજબ દેશમાં 16 કરોડથી વધુ લોકો દારૂનું સેવન કરે છે. આશરે 3.1 કરોડ લોકો ગાંજાનું વ્યસન ધરાવે છે, જ્યારે લાખો લોકો હેરોઈન, સ્મેક અને બ્રાઉન સુગર જેવા ઓપિઓઇડ્સનો ઉપયોગ કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે 1.18 કરોડ લોકો બિન-તબીબી હેતુઓ માટે શામક દવાઓનો ઉપયોગ કરે છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે બાળકો અને કિશોરોમાં પણ ઇન્હેલેન્ટ્સ જેવા કે પેઇન્ટ, થિનર, ગુંદર અને અન્ય રસાયણોના વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આવનારી પેઢી માટે આ મોટું જોખમ બની શકે છે.
જાગૃતિ અને સંયુક્ત પ્રયાસોની જરૂર
નિષ્ણાતોના મતે નશાના દૂષણને રોકવા માટે માત્ર પોલીસ કાર્યવાહી પૂરતી નથી. પરિવાર, શાળાઓ, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે. યુવાધનને નશાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન, કાઉન્સેલિંગ, પુનર્વસન કેન્દ્રો અને રોજગારની તકો વધારવી જરૂરી બની છે.નશાનું વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ માટે વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. તેથી સમયસર જાગૃતિ, કડક નિયંત્રણ અને સામૂહિક જવાબદારી જ આ ગંભીર સમસ્યાનો અસરકારક ઉકેલ બની શકે છે.