નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2026માં બેસનારા ઉમેદવારો માટે પશ્ચિમ રેલવે ખાસ વ્યવસ્થા કરી છે. પરીક્ષાના દિવસોમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 5 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો ખાસ ભાડા પર દોડાવવામાં આવશે અને ગુજરાત સહિત અનેક રાજ્યોના ઉમેદવારોને તેનો સીધો લાભ મળશે. રેલવેના જણાવ્યા મુજબ, પરીક્ષા દરમિયાન મુસાફરી સરળ બને અને વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે આ વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
સૌથી પ્રથમ ટ્રેન બાંદ્રા ટર્મિનસ અને ડૉ. આંબેડકર નગર વચ્ચે દોડશે. ટ્રેન નંબર 09351 બાંદ્રા ટર્મિનસથી 20 જૂને સાંજે 6:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11:30 વાગ્યે ડૉ. આંબેડકર નગર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09352 19 જૂને ડૉ. આંબેડકર નગરથી રાત્રે 11 વાગ્યે ઉપડીને બીજા દિવસે બપોરે 3:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, ગોધરા સહિતના મહત્વના સ્ટેશનો પર રોકાશે. બીજી વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસ અને મણિનગર વચ્ચે દોડશે. ટ્રેન નંબર 09471 20 જૂને રાત્રે 9:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યે મણિનગર પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09472 એ જ દિવસે સવારે 8:30 વાગ્યે મણિનગરથી ઉપડીને સાંજે 6:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને આણંદ જેવા સ્ટેશનો પર રોકાશે.
સૌરાષ્ટ્ર વિસ્તારના ઉમેદવારો માટે ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09554 ઓખાથી 20 જૂને સવારે 5 વાગ્યે ઉપડશે અને બપોરે 3 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09553 ગાંધીનગરથી 21 જૂને સવારે 5:55 વાગ્યે ઉપડીને ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ સહિતના મુખ્ય સ્ટેશનોને જોડશે. ભાવનગર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ભાવનગર અને ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09254 20 જૂને સવારે 11:40 વાગ્યે ભાવનગરથી ઉપડશે અને સાંજે 4:10 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09253 21 જૂને રાત્રે 8 વાગ્યે ગાંધીગ્રામથી ઉપડીને મધરાત બાદ ભાવનગર પહોંચશે. આ ટ્રેન સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા અને સરખેજ જેવા સ્ટેશનો પર રોકાશે.
આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઉમેદવારો માટે ઇન્દોર-ભોપાલ અને ભોપાલ-રતલામ વચ્ચે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09354 20 જૂને ઇન્દોરથી સવારે 11:25 વાગ્યે ઉપડશે અને સાંજે 7 વાગ્યે ભોપાલ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09353 ભોપાલથી સાંજે 7:40 વાગ્યે ઉપડીને બીજા દિવસે રતલામ પહોંચશે. તમામ સ્પેશિયલ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. પશ્ચિમ રેલવેનો આ નિર્ણય હજારો NEET ઉમેદવારો અને તેમના પરિવારજનો માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના વિવિધ શહેરોમાંથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને મુસાફરીમાં સરળતા અને વધારાની બેઠક ઉપલબ્ધ થશે.