132 વખત મુખ્ય આરોપી સાથે વાતચીતના પુરાવાને આધારે સેશન્સ કોર્ટનો મોબાઈલ પરત માંગવાની અરજી નામંજૂર કરી
વડોદરા તા.18
NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલા iPhone-14 Pro મોબાઇલ ફોન પરત મેળવવા આરોપી લક્ષ્મીકાંત દેસાઈ દ્વારા કરાયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું માનવું છે કે મોબાઇલ ફોન કેસના મહત્વના પુરાવા તરીકે ટ્રાયલ દરમિયાન જરૂરી બની શકે છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા નોંધાયેલા NDPS ગુનામાં લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈનો Apple iPhone-14 Pro જપ્ત કરવામાં આવ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે મોબાઇલ તેની વ્યક્તિગત માલિકીનો છે, તેમાં મહત્વપૂર્ણ ડેટા અને સંપર્ક નંબર છે તેમજ લાંબા સમય સુધી પોલીસ કસ્ટડીમાં રહેવાથી ફોનને નુકસાન થવાની શક્યતા છે. વધુમાં તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી હવે ફોનની જરૂરિયાત ન હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.
જોકે, સરકારી પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે મોબાઇલ ફોન કેસમાં મહત્વના પુરાવા તરીકે જોડાયેલો છે. તપાસ દરમિયાન મળેલા CDR મુજબ અરજદારે મુખ્ય આરોપી અમરીકસિંહ સાથે 132 વખત વાતચીત કરી હોવાનું બહાર આવ્યું છે. કેસનો આધાર મોબાઇલ કોલ ડેટા અને સંપર્કોની વિગતો પર હોવાથી ટ્રાયલ દરમિયાન ફોનની જરૂરિયાત ઉભી થઈ શકે છે.
દલીલો અને તપાસ અધિકારીના અભિપ્રાયને ધ્યાને લઈ કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે હાલના તબક્કે મોબાઇલ પરત આપવો ન્યાયોચિત નથી. પરિણામે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 497 હેઠળ કરવામાં આવેલી મુદામાલ પરત મેળવવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી.