Vadodara

વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૮

વડોદરા શહેરને પર્યાવરણને અનુકૂળ, ઉર્જા-કાર્યક્ષમ અને નાગરિકો માટે સ્વાસ્થ્યપ્રદ બનાવવા તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને ગ્લોબલ બિલ્ડિંગ્સ પર્ફોર્મન્સ નેટવર્ક વચ્ચે એપ્રિલ-૨૦૨૬ માં થયેલા સમજૂતી કરારના ભાગરૂપે, GBPN ની એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય ટીમે વડોદરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નક્કી કરાયેલા સહકાર ક્ષેત્રો પર સીધો સંવાદ સ્થાપિત કરી તેના અમલીકરણની દિશા નક્કી કરવાનો હતો. મુલાકાત દરમિયાન પાલિકાના વિવિધ વિભાગો સાથે મહત્વની બેઠકો અને એક વિશેષ ઈન્ટરેક્ટિવ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના આરોગ્ય અને હવામાન પરિવર્તનના પડકારો અંગે ગહન ચર્ચા થઈ હતી.

આ વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત મુખ્યત્વે ચાર મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ, શહેરી ગતિશીલતા, ગ્રીન સ્પેસ, હવાની ગુણવત્તા, ક્લાઈમેટ રિઝિલિયન્સ અને કચરા વ્યવસ્થાપનને સાંકળીને એક ‘હેલ્થી અર્બન પ્લાનિંગ ફ્રેમવર્ક’ તૈયાર કરવામાં આવશે. દ્વિતીય, ‘સોલાર સિટી અને નેટ ઝીરો એનર્જી રોડમેપ’ હેઠળ મ્યુનિસિપલ તેમજ રેસિડેન્શિયલ બિલ્ડિંગોમાં રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધારવા માટે ટેકનિકલ વ્યૂહરચના ઘડાશે. તૃતીય ક્ષેત્ર હેઠળ VMC અને GBPN ના નિષ્ણાતોનું એક ‘જોઈન્ટ વર્કિંગ ગ્રુપ’ રચી સંસ્થાકીય સમન્વય સાધવામાં આવશે, જ્યારે ચોથા તબક્કામાં પાલિકાના અધિકારીઓ અને ટાઉન પ્લાનર્સ માટે ખાસ તાલીમ મોડ્યુલ્સ અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો યોજાશે.

પાલિકાના “ટીમ વડોદરા” સભાખંડમાં આયોજિત “Let’s Engage” વર્કશોપમાં ભવિષ્યની યોજનાઓ માટે મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓએ જૂથોમાં વહેંચાઈને અત્યાર સુધીની પ્રગતિ, નડતરરૂપ અવરોધો, નવીન શક્યતાઓ અને આગામી વ્યૂહરચના જેવા ચાર મહત્વના પરિમાણો પર વિગતવાર ચર્ચા કરી હતી. વર્કશોપમાં વડોદરાના ‘નેટ ઝીરો ૨૦૭૦ વિઝન’ અંતર્ગત સોલાર ટ્રી, રૂફટોપ સોલાર, કેનાલ ટોપ સોલાર, વિન્ડ પાવર અને ફ્લોટિંગ સોલાર જેવા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો અંગે વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અને વોટર વર્ક્સ તેમજ ઈલેક્ટ્રિકલ-મેકેનિકલ વિભાગના અધિકારીઓએ સક્રિયતાથી ભાગ લઈ આગામી રોડમેપ તૈયાર કર્યો હતો.

Most Popular

To Top