કલાવતી હોસ્પિટલ અને આવાસ યોજના પાસે મસમોટા ખાડાઓથી કાદવનું સામ્રાજ્ય; તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલતાં વાહનચાલકો ત્રાહિમામ


વડોદરા: ચોમાસાની હજુ તો હમણાં જ વિધિવત શરૂઆત થઈ છે અને વડોદરા શહેરમાં માત્ર એક જ વરસાદ ખાબકતા પાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ હવામાં ઓગળી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પ્રથમ વરસાદના આગમનની સાથે જ શહેરના અનેક વિસ્તારોના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
શહેરના કિસનવાડી ચાર રસ્તા પાસે આવેલી કલાવતી હોસ્પિટલની સામે અને બીએસયુપી (BSUP) આવાસના મકાનો નજીકના રસ્તાઓની હાલત અતિશય દયનીય બની ગઈ છે. આ મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ જવાથી આખો રસ્તો કાદવ-કીચડથી ખદબદી રહ્યો છે. રસ્તા પરથી પસાર થતા બાઇકચાલકો અને રિક્ષાચાલકોએ આ ખાડાઓથી બચવા માટે જાણે ડિસ્કો ડાન્સ કરવો પડતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરેલા ખાડાઓ અજાણ્યા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેમ છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ આસપાસની શાળાઓમાં જતા નાના બાળકો અને રાહદારીઓ કાદવ ખુંદતા જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.
સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તેઓએ આ બિસ્માર રસ્તાઓ અને ગંદકી અંગે સ્થાનિક કોર્પોરેટરોથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જો કે, તંત્રના બહેરા કાને આ રજૂઆતો અથડાઈને પાછી આવી હોય તેમ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં અહીં આવી જ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ નક્કર પગલાં લેતા નથી.
માત્ર કિસનવાડી જ નહીં, પરંતુ વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પણ પ્રથમ વરસાદ બાદ આવા જ બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે. હજુ તો આખું ચોમાસું બાકી છે ત્યારે જો એક જ વરસાદમાં રસ્તાઓ આવા ખખડધજ બની જતા હોય, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન શહેરની શું હાલત થશે તેને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી બહાર નીકળે, પ્રજાની વચ્ચે જાય અને આ સમસ્યાઓની રૂબરૂ મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરાવે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી શકાય.