India

રાજ્યસભા ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં હાઈવોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસ ધારાસભ્યોનું વિમાન ભોપાલ એરપોર્ટ પર અટકાવાયું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મધ્યપ્રદેશમાં આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભવિત ક્રોસ વોટિંગથી બચાવવા માટે બેંગલુરુ ખસેડવાની તૈયારી કરી રહી હતી, પરંતુ ભોપાલ એરપોર્ટ પર જ કોંગ્રેસની આ વ્યૂહરચનાને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્યોને લઈ જવા માટે તૈયાર કરાયેલું વિશેષ વિમાન એરપોર્ટ ઓથોરિટીએ ઉડાન ભરતા અટકાવી દીધું, જેના કારણે એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો.

કોગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકના બેંગલુરુ સ્થિત રિસોર્ટમાં રાખવાની યોજના હતી. કોંગ્રેસને આશંકા હતી કે રાજ્યસભા ચૂંટણી દરમિયાન કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે. આ સંજોગોમાં તમામ ધારાસભ્યોને એકસાથે સુરક્ષિત સ્થળે રાખવાની વ્યૂહરચના બનાવવામાં આવી હતી. જોકે ભોપાલ એરપોર્ટ પર વિમાનને ઉડાનની મંજૂરી ન મળતા આખો પ્લાન અટકી ગયો હતો

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર વિમાન પાસે ડીજીસીએ (DGCA)ની જરૂરી મંજૂરી ન હોવાથી ફ્લાઇટને ટેકઓફ માટે ક્લિયરન્સ આપવામાં આવી નહોતી. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ અને એરપોર્ટ અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મધ્યપ્રદેશમાં 18 જૂને રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાન થવાનું છે. આ વખતે ચૂંટણી ખાસ રસપ્રદ બની છે કારણ કે ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે મહેશ કેવટને મેદાનમાં ઉતારી રાજકીય સમીકરણોમાં ફેરફાર કર્યો છે. કોંગ્રેસે મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવ્યા છે અને હવે ત્રીજી બેઠક માટે સીધી ટક્કર જોવા મળી રહી છે.

ભાજપના ત્રીજા ઉમેદવારની એન્ટ્રી બાદ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની ચિંતા વધી ગઈ છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કર્ણાટક અથવા તેલંગાણા જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખસેડવાની યોજના પર કામ કરી રહી હતી.મુખ્ય હેતુ ધારાસભ્યોને એકજૂથ રાખવાનો ચૂંટણી દરમિયાન કોઈ અણધાર્યા રાજકીય ફેરફારને અટકાવવાનો હતો.આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભોપાલમાં રાજકીય વાતાવરણ વધુ ગરમ બન્યું હતું. જો કે કેટલાક અહેવાલો મુજબ વિધાનસભા પરિસરમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કીની ઘટના પણ સામે આવી હતી. બંને પક્ષોએ એકબીજા પર લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે

કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ દ્વારા ધારાસભ્યોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. બીજી તરફ કોંગ્રેસ સતત પોતાના ધારાસભ્યોની એકતા દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે અને મીનાક્ષી નટરાજનના સમર્થનમાં બેઠકઓ યોજી રહી છે.રાજ્યસભા ચૂંટણી પહેલાં સર્જાયેલા રાજકીય નાટકને કારણે મધ્ય પ્રદેશની રાજનીતિમાં ભારે ઉત્સુકતા ફેલાઈ છે. હવે તમામની નજર 18 જૂનના મતદાન અને તેના પરિણામો પર ટકેલી છે, કારણ કે આ ચૂંટણી માત્ર એક રાજ્યસભા બેઠકની લડાઈ નહીં પરંતુ મહત્વ નું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની પ્રતિષ્ઠાની જંગ તરીકે પણ જોવામાં આવી રહી છે.

Most Popular

To Top