Jetpur pavi

અકસ્માતો અટકાવવા પાવીજેતપુર પોલીસ મેદાને: હાઇવે પર વાહન ચેકિંગ સાથે જાગૃતિ અભિયાન

NH-56 પર વધતા અકસ્માતોને પગલે પોલીસની કડક કાર્યવાહી, નિયમોના પાલન અંગે અપાઈ સમજણ
હેલ્મેટ-સીટ બેલ્ટ ફરજિયાત, હાઇવા ડમ્પર ચાલકોને બેદરકારી ન રાખવા ચેતવણી

ગુજરાત મિત્ર, પાવીજેતપુર
પાવીજેતપુરમાંથી પસાર થતા નેશનલ હાઇવે-56 પર વધતા માર્ગ અકસ્માતોને અટકાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી પાવીજેતપુર પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાન દરમિયાન વાહનોની સઘન તપાસ સાથે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન વાહનચાલકોના લાઇસન્સ, આર.સી. બુક, ઇન્શ્યોરન્સ સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, ઓવર સ્પીડથી વાહન ન ચલાવવા, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે સમજણ આપવામાં આવી હતી.
ખાસ કરીને રેતી ભરેલા હાઇવા ડમ્પર અને ભારે વાહનોના ચાલકોને બેદરકારીપૂર્વક વાહન ન હાંકવા તથા ગતિ મર્યાદાનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા જણાવાયું હતું કે માર્ગ સલામતી માત્ર તંત્રની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

અભિયાન દરમિયાન વાહનચાલકોને સુરક્ષિત મુસાફરી માટે જરૂરી સાવચેતીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરીને પોતાના તથા અન્ય લોકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

રિપોર્ટર : આરીફ ખત્રી

Most Popular

To Top