National

‘લક્ષદ્વીપ જઇને પોતાનો ફોટો પડાવનાર મહાપુરુષ મણિપુર કેમ ન ગયા?’ પીએમ મોદી પર ખડગેએ લગાવ્યા ગંભીર આરોપો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં (Press Conference) કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. દરમિયાન તેમણે રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની વિગતો પણ આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે આ યાત્રા 6700 કિલોમીટરનું અંતર કાપશે. આ સાથે જ તેમણે ફરી એકવાર મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન દરેક જગ્યાએ જઈ રહ્યા છે પરંતુ તેઓ મણિપુર કેમ નથી જઈ રહ્યા?

પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું, ‘મણિપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની અને બનતી રહી. પરંતુ રાત-દિવસ મોદીજી ક્યારેક દરિયામાં જાય છે તે ક્યારેક સ્વિમિંગ ફોટો સેશન કરે છે. ક્યાંક મંદિરો બની રહ્યા છે, ત્યાં જઈને ફોટા પડાવે છે. તો ક્યારેક કેરળમાં જાય છે તો ક્યારેક બોમ્બે જઈને જાય છે. તેઓ દરેક જગ્યાએ જાય છે અને તેમના નવા કપડા પહેરીને ફોટો પડાવે છે.

પરંતુ આ મહાન વ્યક્તિ મણિપુર કેમ ન ગયા જ્યાં લોકો મરી રહ્યા છે. જ્યાં મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. જ્યાં લોકો ઠંડીમાં મરી રહ્યા છે. તમે ત્યાં તે લોકોની ખબર-અંતર પૂછવા નથી જતા, કેમ નથી જઈ રહ્યા? શું તેઓ દેશનો ભાગ નથી? તમે લક્ષદ્વીપ જાઓ અને પાણીમાં રહો, શું તમે મણિપુર જઈને લોકોને સમજાવી શકતા નથી?

ભારત જોડો ન્યાય યાત્રાનો કર્યો ઉલ્લેખ
રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, અમે 14 જાન્યુઆરીથી ખૂબ મોટી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુર, ઈમ્ફાલથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, અરુણાચલ થઈને દેશના રાજ્યોમાંથી પસાર થશે અને અંતે મુંબઈ પહોંચશે. 110 જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા લોકસભાની 100 અને વિધાનસભાની 337 બેઠકોને આવરી લેશે. લગભગ 6700 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ યાત્રા મુંબઈમાં પૂરી થશે.

વધુમાં ખડગેએ કહ્યું ‘જ્યારે અમે સંસદમાં દેશ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે સરકારે અમને બોલવા દીધા નહીં. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલા માટે અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ જેથી કરીને અમે તેમના મંતવ્યો તેમની સમક્ષ વ્યક્ત કરી શકીએ અને સમાજના દરેક વર્ગને મળીને તેમની વાત સાંભળી શકીએ. દરમિયાન તેમણે ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો પણ લોન્ચ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશવાસીઓને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.

Most Popular

To Top