SURAT

બાંગ્લાદેશીઓને માત્ર 5000માં ભારતીય નાગરિક બનાવનારને સુરત પોલીસ પાલઘરથી ઊંચકી લાવી

સુરત(Surat) : માત્ર રૂપિયા 5000માં બાંગ્લાદેશી (Bangladeshi) ઘૂસણખોરોને ભારતીય નાગિરક (IndinaCitizen) તરીકેના પુરાવા બનાવી આપનાર એક ઈસમને સુરતની ઉત્રાણ (Utran) પોલીસે ઝડપી (Arrest) પાડ્યો છે. આરોપી પાલઘરના (Palghar) સીએચસી સેન્ટરનો સંચાલક છે. તે 5000 જેવી મામૂલી રકમ લઈ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા બનાવી આપતો હતો.

ગયા મહિને સુરત એસઓજી પોલીસે ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી અનૈતિક ધંધા કરતા 9 બાંગ્લાદેશીને પકડી માનવ તસ્કરીનું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. આ કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના એક બહાદુર નામના બાંગ્લાદેશીએ રૂપિયા 5000માં નકલી આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજી પુરાવા બનાવ્યા હતા.

બહાદુર રફીક ખાનની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે કે, બહાદુર એક એજન્ટને 20 હજારની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવી ભારતમાં ઘૂસ્યો હતો. કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં સીએચસી સેન્ટર ચલાવતા ભુપેન્દ્ર અમરનાથ તિવારીને 5 હજાર આપી બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું.

આ માહિતીને પગલે ઉત્રાણ પોલીસની એક ટીમ પાલઘર ગઈ હતી. પાલઘરના સીએચસી સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જ્યાં સીએચસી સેન્ટરનો સંચાલક જ બાંગ્લાદેશીઓને બનાવટી આધારકાર્ડ બનાવી આપતો હોવાનું ખૂલ્યું હતું. આથી ઉત્રાણ પોલીસે સીએચસી સેન્ટરના સંચાલક ભુપેન્દ્રની ધરપકડ કરી હતી અને તેને સુરત ઊંચકી લાવી હતી.

સુરત પોલીસે માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો
સુરતની પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ભારતીય નાગરિક હોવાના બોગસ પુરાવા સાથે 5 વર્ષથી સુરતમાં રહેતી 3 મહિલા સહિત 9 બાંગ્લાદેશીને પકડ્યા હતા. આ સાથે જ 500થી 2500 રૂપિયામાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ સહિતના બોગસ આઇડી પ્રૂફ્સ બનાવી આપનારા કડોદરાના યુવકની પણ ધરપકડ કરી હતી. આ મામલે સરથાણામાં ૨, લાલગેટ, પાંડેસરા, મહિધરપુરા, ચોકબજાર અને ઉત્રાણ પોલીસમાં સાત ગુના દાખલ કરાયા હતા.

Most Popular

To Top