SURAT

સુરત પાલિકાની કચરા ગાડીએ કતારગામમાં યુવકને ટક્કર મારી લોહીલુહાણ કરી નાંખ્યો

સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત કચરો એકત્રિત કરતાં વાહનો બેફામ હંકારવામાં આવતા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. આ વાહનો દ્વારા અનેક અકસ્માત સર્જાતા હોવાના કિસ્સા પણ બહાર આવતા રહે છે. આવી જ એક ઘટના આજે શહેરના કતારગામ વિસ્તારમાં બની છે. અહીં એક કચરા ગાડીએ મોપેડ ચાલકને અડફેટે લઈ લોહીલુહાણ કરી નાંખ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે કતારગામની અંકુર સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલાં મોપેડને કચરા ગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. તે લોહીલુહાણ થઈ ગયો હતો. આથી 108માં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કચરા ગાડીનો ચાલક નશામાં હતો. તેણે નશામાં બેફામ કચરા ગાડી હંકારી એક્ટિવા ચલાવતા યુવકને ટક્કર મારી હતી. યુવકને ખૂબ ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને નશાખોર કચરા ગાડીના ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં લોકોએ જ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો હતો.

કતારગામ પોલીસે ચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોના આક્ષેપો પ્રમાણે નશાની હાલતમાં કચરા ગાડીના ચાલકો બેફામ બનીને છાસવારે અકસ્માત સર્જી રહ્યા છે.

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બેટરી કારે સૂતેલા યુવકને કચડી નાંખ્યો
સુરત: સુરત રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 પર શુક્રવારે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે અચાનક કાર શરૂ કરીને એક્સિલેટર જોરથી દબાવતા કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને પ્લેટફોર્મ પર સુતેલા અજાણ્યા ઉપર કાર ચઢી જતાં તેનું મોત નિપજ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશન પર સિનિયર સિટિઝન અને દિવ્યાંગો માટે બીઓસી (બેટરી ઓપરેટેડ કાર)ની સુવિધા છે. તે ચલાવવા માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એજન્સીનો રેગ્યુલર ડ્રાઈવર રાહુલ નામનો યુવક છે. જો કે, આ કારનો હોર્ન ખરાબ થઇ ગયો હોવાથી તે પ્લેટફોર્મ નંબર 1 ઉપર બેસીને તેને રિપેર કરી રહ્યો હતો.

તે સમયે એજન્સીનો બીજો ડ્રાઈવર અરૂણ ભીમા ચંદેલે( રહે. કોસાડ,અમરોલી) બેટરી ઓપરેટેડ કાર શરૂ કરી દીધી હતી અને જોરમાં એક્સિલેટર દબાવી દેતા કારની ઝડપ વધતાં તેના પર તેનો કંટ્રોલ રહ્યો ન હતો અને કાર આગળ સુતેલા અજાણ્યા યુવક પર ચઢી ગઈ હતી. તેના કારણે 45 વર્ષિય અજાણ્યાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

બનાવ બનતા પ્લેટફોર્મ પર અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. બીઓસીની અડફેટે પ્રવાસીનું મોત નિપજ્યું હોવાની વાત વહેતી થઈ હતી.જીઆરપી પીઆઈ વૈભવ આહિરે જણાવ્યું હતું કે મરનારની ઓળખ થઈ નથી. તેના કપડાં પણ ખરાબ હતા. તે પેસેન્જર હોય એવું લાગતું નથી. રેલવે પોલીસે અરૂણ ચંદેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે અરૂણની ધરપકડ કરી હોવાની માહિતી મળી છે.

Most Popular

To Top