Vadodara

નડિયાદમાં ગટર પ્રશ્ને રહિશોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી

ગટર નહીં તો વોટ નહીં | કલેક્ટર કચેરી સામેની સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા

સોસાયટીની બહાર બોર્ડ મારી વિરોધ નોંધાવ્યો, વર્ષોથી પડતર સમસ્યા હોવાનો સૂર

(પ્રતિનિધિ) નડિયાદ, તા.2

નડિયાદમાં કલેકટર કચેરીની સામેની ત્રણ સોસાયટીમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો અંત ન આવતા રહીશોએ મતદાનથી અળગા રહેવાનો સૂર છેડ્યો છે. આજે સોસાયટીની બહાર મતદાન નહીં કરવાના નિર્ણય સાથે પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જેથી મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારતા એસ.ડી.એમ. સ્થળ પર દોડી ગયા હતા અને રહીશોને સાંભળી નિરાકરણની ખાતરી આપી હતી. જો કે, મતદારો મતદાન ન કરવાની જીદ પર અડગ રહ્યા હતા.

નડિયાદમાં ડભાણ રોડ પર કલેકટર કચેરીની બરાબર સામે આવેલ જીઈબી પાસેની પુષ્પવિહાર, પદ્માવતી અને શ્રીજી પુજન સોસાયટીમા અંદાજે 70થી વધુ મકાનો આવેલા છે અને તેમાં 65થી વધુ પરિવારો વસવાટ કરે છે. છેલ્લા લગભગ દોઢ વર્ષથી ઉપરાંતના સમયથી આ સોસાયટીના કોમન રસ્તા પર ગટરનો પ્રશ્ન વણ ઉકેલ્યો પડી રહ્યો છે. ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા લોકોને આવન જાવન કરવામાં ભારે તકલીફો પડી રહી છે. ખાસ કરીને વયો વૃધ્ધ, બાળકોને ન છુટકે આવા ગંદા પાણીમાં પગ મૂકીને આવવુ જવું પડે છે. આ સમસ્યા લાંબા સમયથી છે હાલ આ સમસ્યા એટલી હદે વકરી છે કે છેલ્લા લાંબા દિવસોથી ગટરના પાણી બહાર ઉભારાતા અને રોડ પર ભરાઈ જવાના કારણે રોડ પર લીલના મોટા થર પણ જામી ગયા છે. જેના કારણે ચાલીને આવવુ તેમજ ટુવ્હિકલ લઈને આવવું ખુબજ મુશ્કેલ બન્યું છે. સોસાયટીની મહિલાઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. હવે તો આ પાણી ભરાઈ રહેતા દૂર્ગંધ આવતા લોકોને ઘરના દરવાજા બંધ કરી ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે. આ ત્રણેય સોસાયટીમાં મોટેભાગે મધ્ય વર્ગના અને જુદી જુદી સરકારી દફતરોમા ફરજ બજાવતા નોકરીયાત વર્ગ રહે છે. ત્યારે આ પ્રશ્ન સામે છેલ્લા દોઢ વર્ષથી આ સોસાયટીના રહીશો લડી રહ્યા છે.

આ પ્રશ્ને અગાઉ સ્થાનિકોએ યોગીનગર ગ્રામ પંચાયતથી માંડીને વિધાનસભા અને છેલ્લે જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી. તો છેલ્લે વિધાનસભા ચૂંટણી સમયે પણ રણચંડી બનેલી સ્થાનિક મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. જે તે સમયે માત્ર આશ્વાસન અને કુણીએ ગોળ લગાવી પ્રશ્નને ઉકેલ લવાશે તેમ જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ સમસ્યા ઠેરની ઠેર રહેતા આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અને ચૂંટણી બહિષ્કારનો આ ત્રણેય સોસાયટીના રહીશોએ નિર્ણય લીધો છે. આ મતદાન અને ચૂંટણી બહિષ્કારના બેનરો પણ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે લગાવમાં આવ્યા છે. આ નિર્ણયના પગલે પ્રાંત અધિકારી સ્થળ પર દોડી ગયા હતા અને સોસાયટીના રહીશોને સમજાવી અને પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી. જો કે, સ્થાનિક રહીશો સમગ્ર મામલે ટસના મસ થયા નહોતા.

‘સોસાયટીઓનું લેવલ નીચુ છે અને ગટરનું લેવલ ઉંચુ છે. જે-તે સમયે સોસાયટી બનાવતી વખતે ખારકૂવા બનાવ્યા નથી. જેથી તેના કનેક્શન પણ  ગટરમાં છે. આવા સમયે નીચાણના કારણે આ સમસ્યા વારંવાર સર્જાય છે. આપણે રહીશોને મદદરૂપ થવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. ગટરના પ્રશ્નના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યુ છે. તેમજ હાલ ચોકઅપનો પ્રશ્ન ઉકેલવા સમાયાંતરે નડિયાદ નગરપાલિકાના જેટીંગ મશીન મુકાવી અને તેનાથી સફાઈ કરાવીએ છીએ અને નગરપાલિકાને તેના નાણાં ચુકવીએ છીએ. તેમજ સીસી રોડ આગામી સમયમાં બનાવાશે.’- પ્રદીપભાઈ વસાવા, યોગીનગર, સરપંચ

Most Popular

To Top