SURAT

સુરતની મહિલા કોન્સ્ટેબલને આપઘાત માટે મજબૂર કરનાર દગાખોર પ્રેમી પકડાયો

સુરત: મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસમાં એક મહિના બાદ સુરત પોલીસે કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેની ધરપકડ કરી છે.

સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ એક મહિના અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મચારીની મળેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ભૂંડી ભૂમિકા સામે આવી હતી.

જેમાં પોલીસ કર્મચારીએ તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી યૌનશોષણ કર્યું હતું અને બાદમાં તેની સાથે લગ્ન નહી કરી તેને તરછોડી દીધી હતી. જેથી આખરે આ મામલે પોલીસ કોન્સ્ટેબલ યુવતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં એક મહિના બાદ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયની ધરપકડ થઈ છે.

સિંગણપોર પોલીસ મથકમાં ટપાલ ડ્યુટી કરતી 25 વર્ષીય મહિલા લોકરક્ષક હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરીએ ગઈ તારીખ 18 માર્ચ 2024 ના રોજ સાંજે સિંગણપોર મહર્ષિ સ્કૂલની નજીક મહેશ્વરી પેલેસમાં પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હર્ષના એ આપધાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં પોતાની માતાને ઉદ્દેશીને લખેલી સ્યુસાઈડ નોટમાં માત્ર એટલો જ ઉલ્લેખ કર્યો હતો કે મેં એક વ્યક્તિ પર વિશ્વાસ કરેલો પણ તેણે દગો દીધો છે. જે સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં આખરે પોલીસને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત સીતારામ ભોંય સામેના પુરાવા મળ્યા હતા. પ્રશાંત ભોય અવારનવાર હર્ષના ચૌધરીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર બહાર ફરવા લઈ જઈ શારીરિક સંબંધ બાંધી યૌન શોષણ કર્યું હતું.

ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન પ્રશાંતએ હર્ષનાને અવારનવાર પોતાના વતનમાં પરિવારના સભ્યો પાસે પણ લઈ ગયો હતો અને તેની સાથે સારા સંબંધ હોવાનું જણાવી અને આવનારા દિવસોમાં લગ્ન કરશે તેવી લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દઈ પોતે અન્ય જગ્યાએ સગાઈ કરવાનો છે તેવું જણાવ્યું હતું.

જેથી આખરે આ વાતનું માઠું લાગી આવતા હર્ષના એ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં હર્ષનાની માતાએ એક મહિના પહેલા સિંગણપોર પોલીસ મથકમાં પ્રશાંત ભોય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. પોલીસે 26મીએ પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. એક મહિના બાદ આજે પોલીસે પ્રશાંત ભોયેની ધરપકડ કરી છે.

ત્રણ વર્ષથી પ્રેમમાં હતાં
હર્ષના અને પ્રશાંત ભોય ત્રણ વર્ષથી પ્રેમમાં હતા. લગ્ન પણ કરવાના હતા. પ્રશાંત પહેલાં સિંગણપોર પોલીસ મથકમાં જ ફરજ બજાવતો હતો. ત્યારે બંને વચ્ચે પ્રેમ ખીલ્યો હતો. થોડા સમય પહેલાં પ્રશાંતની સાયબર ક્રાઈમ સેલમાં બદલી થઈ હતી. 

આપઘાત પહેલાં 10 દિવસ બંને વચ્ચે કોઈ સંપર્ક થયો નહોતો
પ્રશાંત મૂળ ડાંગ જિલ્લા છે. હર્ષનાએ આપઘાત કર્યો તે પહેલાંના દસ દિવસ બંને વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. પ્રશાંત વતન ગયો હતો અને ત્યાં બાઈક સ્લીપ થવાના કારણે તેને ઈજા પણ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછો આવતો હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો. હર્ષનાએ અનેક મેસેજ અને ફોન પ્રશાંતને કર્યા હતા, પરંતુ ડાંગમાં નેટવર્ક ન હોવાથી સંપર્ક થઈ શક્યો નહતો. હર્ષનાએ મળવા આવના સંખ્યાબંધ મેસેજ કર્યા હતા. નેટવર્ક નહીં હોવાથી પ્રશાંતે રિપ્લાય ન આપતા હર્ષનાએ ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હતો. પ્રાથમિક તબક્કે પ્રશાંતનો સંપર્ક ન થવાના લીધે ડિપ્રેશનમાં આવી હર્ષનાએ આપઘાત કર્યાની આશંકા સેવવામાં આવી હતી.

લગ્ન બાબતે બંને વચ્ચે ઝઘડા થતાં હતાં.
દરમિયાન સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી. ગોહિલે 19 માર્ચે પ્રશાંતની પૂછપરછ કરી હતી. જેમાં પ્રશાંતે હર્ષના સાથે પ્રેમસંબંધ હોવાનું અને લગ્ન કરવા માંગતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. બંને વચ્ચે લગ્નને લઈ નાના-મોટા ઝઘડાઓ થતા હતા. પ્રશાંત વહેલા લગ્ન કરવા માંગતો હતો પરંતુ હર્ષના તૈયાર નહોતી. દરમિયાન જો હર્ષના વહેલા લગ્ન માટે રાજી ન થાય તો પ્રશાંત બીજે લગ્ન કરશે તે વાત પણ હર્ષના જાણતી હતી.



Most Popular

To Top