National

અમિત શાહના નકલી વીડિયો કેસમાં એક વ્યક્તિની ધરપકડ, દિલ્હી પોલીસનું તેલંગાણાના CMને સમન્સ

નવી દિલ્હીઃ (New Delhi) ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો પોસ્ટ (Video Post) કરવાને કારણે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હી પોલીસે તેમને નોટિસ મોકલીને 1 મેના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હી પોલીસે રેડ્ડીને પોતાનો ફોન સાથે લાવવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે રેવંત રેડ્ડી તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે અને તેલંગાણા કોંગ્રેસ પર શાહનો એડિટેડ અને ફેક વીડિયો પોસ્ટ કરવાનો આરોપ છે.

  • અમિત શાહનો નકલી વીડિયો પોસ્ટ કરવું તેલંગાણાના CM રેવંત રેડ્ડીને ભારે પડ્યું, દિલ્હી પોલીસે મોકલી નોટિસ
  • અમિત શાહના નકલી વીડિયો કેસમાં પ્રથમ કાર્યવાહી, આસામમાંથી એક વ્યક્તિની ધરપકડ

બીજી તરફ આસામ પોલીસે અમિત શાહ સાથે જોડાયેલા ફેક વીડિયોના કેસમાં રિતમ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આસામના સીએમએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. જણાવી દઈએ કે અનામતને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. રવિવારે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને FIR નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર એવા લોકો સામે દાખલ કરવામાં આવી છે જેઓ ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો ફેલાવે છે. આ ફેક વીડિયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે SC, ST અને OBC અનામત હટાવવાની વાત કરી હતી. જ્યારે વાસ્તવમાં તેમણે આવું કહ્યું ન હતું.

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીનો વળતો પ્રહાર, કહ્યું- યોગ્ય જવાબ આપીશું
ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીનું નિવેદન સામે આવ્યું છે. રેવંતે કહ્યું કે અત્યાર સુધી પીએમ મોદી અને અમિત શાહ ચૂંટણી જીતવા માટે ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સનો ઉપયોગ કરતા હતા પરંતુ આજે મને ખબર પડી કે કોઈએ સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કર્યું અને દિલ્હી પોલીસે તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તેમજ મુખ્યમંત્રીની ધરપકડ કરવા આવે છે. મતલબ કે નરેન્દ્ર મોદી હવે ચૂંટણી જીતવા માટે દિલ્હી પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. અમે તમને યોગ્ય જવાબ આપીશું.

શું છે સમગ્ર મામલો?
ગૃહ પ્રધાન અમિત શાહનો એક સંપાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં તેઓ એવી રજૂઆત કરી રહ્યા છે કે જો ભાજપની સરકાર બનશે તો તે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગોના ‘ગેરબંધારણીય અનામત’નો અંત લાવશે.

જ્યારે વાસ્તવિકતા એ છે કે આ એક નકલી અને એડિટેડ વીડિયો છે. શાહે એવું કશું કહ્યું નથી. તેના બદલે અમિત શાહ કહેતા હતા કે જો ભાજપની સરકાર બનશે તો અમે ગેરબંધારણીય મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું. અમિત શાહને એવું કહેતા સાંભળી શકાય છે કે તેલંગાણાના SC, ST અને OBC સમુદાયો આ તકના હકદાર છે અને મુસ્લિમ આરક્ષણને ખતમ કરીને તેમને આ અનામત આપવામાં આવશે.

આ વીડિયો ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં અમિત શાહ સ્પષ્ટપણે મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. તેમણે SC, ST અને OBC માટે અનામત હટાવવાની વાત નથી કરી. એટલે કે અમિત શાહની જે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે જુની છે અને તેને એડિટ કરીને વાયરલ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે.

Most Popular

To Top