Charotar

નડિયાદમાં જીવતો વાયર પડતાં 5 દુકાન 3 વાહન ખાક

મુખ્ય બજારમાં ભરબપોરે આગ લાગતા અફડા તફડી મચી

નડિયાદ ફાયર વિભાગના બે વોટર બ્રાઉઝરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

નડિયાદ.

નડિયાદ શહેરની ભર બજારમાં વીજ કંપનીની બેદરકારીના કારણે હોનારત સર્જાતા રહી ગઇ હતી. વીજ કંપનીનો જીવતો વાયર તુટી પડતાં દુકાનમાં શોર્ટ સર્કિટ થઇ હતી અને જોત જોતામાં આગ લાગી હતી અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 5 દુકાન અને 3 વાહનો ખાખ કરી નાંખ્યાં હતાં. આ અંગેની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલા વેપારીને ભારે નુકશાન થઇ ચુક્યું હતું.

નડિયાદ શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં હરિદાસ હોસ્પિટલ સામે લાકડાની જુની દુકાનમાં રવિવારની ભરબપોરે આગ ભગડી હતી. આ આગે લાકડાના કારણે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એટલે કે સુધી કે આગ કાબુમાં આવે તે પહેલાં જ લાકડાની 5 દુકાનો અને તેમાં રાખેલો સામાન બળીને ભસ્મીભુત થઇ ગયો હતો. આ ઉપરાંત નજીકમાં પાર્ક કરેલી બે કાર, એક બાઇક પણ લપેટમાં આવી ગઈ હતી અને તે પણ બળી ગયાં હતાં. ભરબજારમાં બનેલા બનાવથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

આ અંગે નડિયાદ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ બે વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. પરંતુ આ પહેલા 5 દુકાનનો માલ – સામાન મળીને ખાખ થઇ ગયો હતો. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નહતી. પરંતુ આ ઘટનાથી વીજ કંપનીની બેદરકારી ખુલ્લી પડી ગઈ હતી.

આ બનાવ મામલે ડીસ્ટ્રીક્ટ ફાયર ઓફિસર દીક્ષીત પટેલે કહ્યું કે, પ્રાથમિક માહિતી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ છે. આ લાકડાની દુકાનો પરથી પસાર થતો એક કેબલ અચાનક તૂટી પડતાં આ આગ લાગી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ આ તમામ દુકાનો એક જ માલિકની છે.

દુકાન માલિક અશોકભાઈ બારોટે જણાવ્યું કે, આ 5 લાકડાની દુકાનો મારા માલિકીની છે અને હું અહીંયા ગાડીના સ્પેરપાર્ટ સહિત લે વેચનો ધંધો કરૂ છું. મારી 5 દુકાનો પૈકી એક દુકાન પર જીવંત વાયર પડતા આ દુકાનમાં શોર્ટ સર્કિટ થઈ છે જેના કારણે આગ લાગી છે. આ આગની લપેટમાં 3 વાહનો પણ બળીને ભસ્મ થઈ ગયા છે.

Most Popular

To Top