SURAT

શોરૂમના ઉદ્ઘાટનમાં સુરત આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં પડાપડી, અનેક લોકો કચડાયા- Video

સુરત: (Surat) સુરતના અડાજણ એલપી સવાણી રોડ ખાતે શનિવારે કલ્યાણ જ્વેલર્સના (Kalyan Jewellers) શોરૂમના ઉદ્દઘાટન માટે આવેલા અભિનેતા રણબીર કપૂરના (Ranbir Kapoor) કાર્યક્રમમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. રણબીર કપૂરને જોવા માટે લગભગ 4000 લોકો ઉમટી પડ્યા હતા. બે સાઈડથી બેરિકેડ તોડી લોકો સ્ટેજ સુધી ધસી આવતા પડીપડી થઈ હતી. જેના કારણે અનેક લોકો એક બીજા પર પડ્યા હતા. બાળકો સહિત કેટલાય લોકો કચડાઈ ગયા છે. કોઈ અપ્રિય ઘટના બને અને પોલીસ તપાસમાં ફસાવું ન પડે એ જોતાં રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના થઈ ગયો હતો.

કલ્યાણ જ્વેલર્સના કાર્યક્રમ માટે સુરત આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં ભારે ધક્કામુક્કી અને પડાપડીનો માહોલ સર્જાતા આયોજકો અને પોલીસ દોડતી થઈ હતી. શનિવારે સાંજે પાંચ કલાકે યુનિવર્સલ ટ્રેડ સેન્ટર, એલપી સવાણી રોડ, અડાજણ ખાતે કલ્યાણ જ્વેલર્સના શોરૂમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. જેમાં રણબીર કપૂરને બોલાવવામાં આવ્યો હતો. રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તૂટ્યા હતા. પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગાર્ડની બેદરકારી સામે આવી હતી. બંને તરફના બેરિકેડ પાસે 4000 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને લોખંડના બેરિકોડ તૂટી પડ્યાં હતા.

લોકો રણબીર કપૂરનાં સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. આખો રોડ બંધ થઈ ગયો હતો. છતાંય પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. ભીડ વધી જવાના કારણે ભાગદોડ સર્જાયા બાદ લોકો એકની ઉપર એક પડ્યા હતા. નાના બાળકો પણ મોટી સંખ્યામાં રણબીર કપૂરને જોવા આવ્યા હતા. પડાપડી થતાં બાળકો કચડાયા હતા. લોકો પોતાના બૂટ ચપ્પલ છોડી ભાગ્યા હતા. ભારે અફરાતફરી થતાં માતા-પિતા બાળકોને શોધવા બુમાબુમ કરવા લાગ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તે અંગે હજી કોઈ માહિતી મળી નથી.

બીજી તરફ શોરૂમના ઉદ્ઘઘાટન માટે આવેલા રણબીર કપૂર પરફોર્મન્સ કરનાર હતો તેવું પણ જાણવા મળ્યું છે. જોકે ભાગદોડ થતાં તેણે પરફોર્મન્સ કરવાનું માંડી વાળ્યું હતું. કોઈ અપ્રિય ઘટના બને અને પોલીસ તપાસમાં ફસાવું ન પડે એ જોતાં રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના થઈ ગયો હતો. એટલું જ નહીં રણબીરે પ્રેસ કોન્ફરન્સ કરવાનું પણ રદ્ કર્યું હતું. તેની સિક્યોરિટી માટે 50 પોલીસ અને 40 પ્રાઇવેટ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. સાંજે 7:30 ની ફ્લાઇટ હોવા છતાં રણબીર કપૂર 6:15 કલાકે પર્સનલ સ્ટાફને લઈ સીધો એરપોર્ટ ભાગ્યો હતો. રણબીર કપૂરને મુંબઈથી સુરત લાવવા કલ્યાણ જવેલર્સે ચાર્ટર ફ્લાઇટ કરી હતી. કાર્યક્રમ સ્થળથી ભાગી છૂટેલો રણબીર કપૂર સુરત એરપોર્ટ ની વીઆઇપી લાઉન્જમાં ફલાઇટની રાહ જોતો દેખાયો હતો.

Most Popular

To Top