Business

એલોન મસ્કે પ્લાન બદલતાં ટેસ્લા માટે ભારતીયોએ હજુ લાંબી રાહ જોવી પડશે

નવી દિલ્હી: ભારતીયો લાંબા સમયથી અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાની (Tesla) ઇલેક્ટ્રિક કારની (EV) રાહ જોઈ રહ્યા છે. પરંતુ એવું લાગે છે કે હજુ લાંબો સમય સુધી રાહ જોવી પડશે. તાજેતરમાં જ્યારે ટેસ્લાના વડા એલોન મસ્કે (Elon Musk) ભારતની (India) મુલાકાત લેવાની વાત કરી ત્યારે એવું લાગતું હતું કે ટૂંક સમયમાં ટેસ્લાની કાર ભારતના રસ્તાઓ પર દોડતી જોવા મળશે પરંતુ બાદમાં એલોન મસ્કે ભારતનો પ્રવાસ રદ કર્યો હતો. હવે ટેસ્લાના ઈન્ડિયા એન્ટ્રી પ્લાનને વધુ એક ગ્રહણ લાગ્યું છે.

એલોન મસ્કની ટેસ્લા કંપનીએ થોડા દિવસો પહેલા ભારતમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરવામાં રસ બતાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના અધિકારીઓની એક ટીમ પણ ભારતમાં જમીન શોધવા માટે આવવાની હતી. પરંતુ ફેક્ટરી શરૂ કરવાની આ યોજનાને ગ્રહણ લાગી ગયું છે.

હાલમાં ટેસ્લાએ તેની હયાત ફેક્ટરીઓમાંથી જ પોસાય તેવી કાર બનાવવાનું નક્કી કર્યું છે. નવી ફેક્ટરીમાં રોકાણ કરવાને બદલે ટેસ્લા આ વર્ષે તેની હયાત ફેક્ટરીઓમાં ઉત્પાદન 50% વધારી 3 મિલિયન યુનિટ કરવા માંગે છે. રોકાણકારોએ ટેસ્લાના આ નિર્ણયને આવકાર્યો છે.

જેના કારણે કંપનીના ત્રિમાસિક પરિણામો ફાયનાન્સિયલ ટાર્ગેટ ઓછા પડ્યા હોવા છતાં ટેસ્લાના શેરમાં કલાકો પછીના ટ્રેડિંગમાં 12% નો વધારો જોવા મળ્યો હતો. ટેસ્લા અને અન્ય EV ઉત્પાદકોમાં રોકાણ કરનાર ઇવોલ્વ ETFના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઇલિયટ જોન્સને ટેસ્લાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

ભારત સરકારે પોલિસી બદલતા ટેસ્લા ભારતમાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું
આ અગાઉ ટેસ્લાએ તેના નવા પ્લાન્ટ માટે 2-3 અબજ ડોલર (આશરે રૂ. 16,700 કરોડથી રૂ. 25,000 કરોડ)ના રોકાણની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભારત સરકારે નવી પોલિસી તૈયાર કરી હતી, જેથી ટેસ્લા ભારતમાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ભારત સરકારની નવી પોલિસી અંતર્ગત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરતી અને સ્થાનિક ઉત્પાદન કરતી કંપનીઓને આયાત શુલ્કમાં છૂટ આપશે તેવી જાહેરાત કરાઈ હતી. ભારત સરકારના આ નીતિ પરિવર્તન બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટેસ્લા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પહેલા ભારતમાં તેની કાર આયાત કરશે.

હવે મેડ ઈન જર્મન કાર ટેસ્લા ભારતમાં એક્સપોર્ટ કરશે
દરમિયાન ટેસ્લાએ તેના જર્મન પ્લાન્ટમાં રાઇટ-હેન્ડ-ડ્રાઇવ (RHD) કારનું ઉત્પાદન શરૂ કર્યું છે. તેમાંથી કેટલીક કાર ટેસ્ટિંગ દરમિયાન પણ જોવા મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા આ કારોને ભારતીય બજારમાં નિકાસ કરશે. જો બધું બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં ટેસ્લા કાર ભારતીય રસ્તાઓ પર દોડતી જોવા મળશે.

Most Popular

To Top