SURAT

‘આને ઓળખો, આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર’, નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો વરાછામાં લાગ્યા

સુરત: નાટ્યાત્મક ઢબે ઉમેદવારી પત્રક રદ થયા બાદ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હવે કોંગ્રેસના જ કાર્યકરો, નેતાઓનો રોષ ફાટી નીકળ્યો છે. આજે વરાછા વિસ્તારમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લગાડી કોંગ્રેસીઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સુરત લોકસભાના (Surat Loksabha) કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ઉમેદવારી પત્રક રદ થયા બાદ હવે દેશની લોકસભાની ચૂંટણી માટે સુરત એપી સેન્ટર બની ગયું છે. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થવાના કારણે સુરત બેઠક દેશમાં ચર્ચાનો મોટો મુદ્દો બની ગઈ છે.

તો બીજી તરફ સુરતમાં પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં કુંભાણીના ઘરે બેનર સાથે વિરોધ કરાયો હતો તો આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો જોવા મળી રહ્યાં છે.

તો બીજી તરફ ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાં હોર્ડિંગ્સ યથાવત્ રખાયા છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે. સુરત લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ્દ થયાં બાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની આબરુનું સતત ધોવાણ થઈ રહ્યું છે.

હજી સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો.

જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછડીયાએ આને ઓળખો, આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે, સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે.

Most Popular

To Top