Dakshin Gujarat

તારા પિયરની જમીન વેચી મને પૈસા આપ, મારે હોસ્પિટલ બનાવવી છે.. સુરતના તબીબ પતિનો પત્નીને ત્રાસ

બીલીમોરા: (Bilimora) નવસારી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી બીલીમોરાની પરિણીતાને સુરતના ડોક્ટર (Doctor) પતિ અને સાસુ સસરાએ હોસ્પિટલ બાંધવા પિયરની જમીન વેચી રૂપિયા લાવવા શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી હતી. પીડિતાએ બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પતિ, સાસુ સસરા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

  • તારા પિયરની જમીન વેચી મને પૈસા આપ, મારે હોસ્પિટલ બનાવવી છે..તબીબ પતિનો દહેજ માટે નર્સ પત્નીને ત્રાસ
  • કિરણ હોસ્પિટલનાં તબીબ ડો.અશ્વીન સુવાગિયા અને તેમના માતા પિતા સામે બીલીમોરામાં ફરિયાદ દાખલ

બીલીમોરાનાં દેસરા પાણીની ટાંકી નજીક રહેતી ભૂમિ (ઉં.વ.૩૩) નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરીને વલસાડ સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. તે દરમિયાન સુરતનાં અશ્વિન સુવાગિયા સાથે ઓળખાણ થઈ હતી. જે બાદ ગત તા.20/9/2018નાં રોજ ગણદેવી નજીકના દેસાડ ગામે સાંઈ મંદિરમા લગ્ન કર્યા હતા. બંનેનાં પરિવારે સાત મહિના બાદ સંબંધને સ્વીકાર્યો હતો અને ગત.તા. 19/5/2019નાં રોજ ધામધૂમથી લગ્ન લેવાયા હતા. લગ્ન બાદ ભૂમિ સાસરે રહેવા ગઈ હતી અને બંનેનું દાંપત્ય જીવન ખુશહાલ ચાલતું હતું. પણ સાસુએ વહુ ભૂમિને દિલથી સ્વીકારી ન હતી અને નાની નાની વાતોમાં મહેણાં ટોણા મારતી હતી. ઘરનાં મંદિરમાં તું નીચી જાતિની છે એવી રીતે અપમાનિત કરી પૂજા કરવા માટે જવા દેતી ન હતી. દરમિયાન ડિસેમ્બર 2022 માં ડો. અશ્વિન સુવાગિયા સુરતની કિરણ હોસ્પિટલમાં નોકરીમા જોડાયો હતો. તે બાદ તેના વર્તનમાં પરિવર્તન આવ્યું હતું.

ડો.અશ્વિન સુવાગિયાએ ભૂમિને કહ્યું કે મારે મમ્મીનાં નામે હોસ્પિટલ બનાવવાની છે. તે કાશીબા હોસ્પિટલ બાંધવા રૂપિયાની જરૂર છે. તારાં પિયરમાં જે જમીન છે તેને વેચી તું રૂપિયા લઈ આવ. દરમિયાન તા.31/1/2023 નાં રોજ ભૂમિએ ડોકટર પતિને ફોન કરતા તેણે ફોન ઉપડ્યા ન હતા. જેને પગલે ભૂમિ બપોરે 3 કલાકે ડોક્ટર પતિને મળવા સુરત કિરણ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં પહેલાથી જ તેની નંણદો અને ભાણેજો હાજર હતા. તેઓ ભૂમિ જોડે ઝઘડવા લાગતાં ડો. અશ્વિનો જાહેરમાં તમાશો ટાળવા ઘરે જઈને વાત કરો કહી ઘરે મોકલ્યા હતા અને પાછળ ડોક્ટર પણ ઘરે પહોંચ્યો હતો અને ભૂમિને માર માર્યો હતો. સાસુએ પણ તેને મારી હતી. સસરા ગાળો આપવા લાગ્યા અને આ ઘર કંઈ તારું નથી કે તું ગમે ત્યારે આવે એવુ કહી સળગાવી દેવાની અને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ભૂમિ ડરી ગઈ હતી અને પિયર માતાને ત્યાં આવી રહેવા લાગી હતી.

જે વાતને ત્રણ મહિના વિતી જવા છતાં પતિ સમજાવવા આવ્યો ન હતો. જેને પગલે ભૂમિએ બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડો.અશ્વિન કાળુભાઈ સુવાગિયા (પતિ), કાળુભાઈ જીવાભાઈ સુવાગિયા (સસરા) અને કાશીબેન કાળુભાઈ સુવાગિયા (સાસુ) ત્રણેય (રહે., ગાર્ડનવેલી એપાર્ટમેન્ટ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત) સામે દહેજ માટે શારિરીક માનસિક ત્રાસ આપવાનો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. બીલીમોરા પોલીસનાં એ.એસ.આઈ. રવિનભાઈ વધુ તપાસ કરી રહ્યાં છે.

Most Popular

To Top