Charchapatra

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ભારત મધ્યસ્થી કરી શકશે?

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ભારતનો સૌથી મોટો પડકાર આ દેશો અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતાં તેનાં લાખો નાગરિકોની સુરક્ષા છે. ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ઈઝરાયેલ અને ઈરાનની મુસાફરી પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી , પરંતુ સાવચેતીનાં પગલાં તરીકે નાગરિકોને મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં ઈઝરાયેલમાં લગભગ ૧૮ હજાર ભારતીયો છે, જ્યારે ઈરાનમાં પાંચથી દસ હજાર ભારતીયો રહે છે. હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ ઈઝરાયેલમાં બાંધકામ ક્ષેત્રે કામદારોની ભારે અછત સર્જાઈ છે.

આ અછતને પૂર્ણ કરવા માટે, ભારત સરકાર અને ઇઝરાયેલ સરકાર વચ્ચેના કરાર હેઠળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનાં દસ હજાર કામદારોને સ્ક્રીનીંગ પછી ઇઝરાયેલ મોકલવાનાં હતાં, પરંતુ ભારત સરકારની ટ્રાવેલ એડવાઈઝરી બાદ બાકીનાં લોકોનો ઈઝરાયેલ જવાનો પ્લાન હવામાં લટકી રહ્યો છે. ભારતનાં ૯૦ લાખથી એક કરોડ લોકો પશ્ચિમ એશિયાના દેશોમાં રહે છે, જેઓ દર વર્ષે લગભગ ૫૦થી ૫૫ લાખ ડૉલર કમાઈને ભારતમાં મોકલે છે. ભારતને ખનિજ તેલનો પુરવઠો આપતાં સાઉદી અરેબિયા અને ઈરાન જેવા ટોચના દેશો પણ પશ્ચિમ એશિયામાં છે. જો આ ક્ષેત્રમાં તણાવ વધે તો તે ચોક્કસપણે ભારત માટે ગંભીર સમસ્યા બની શકે છે.

ગાઝામાં ચાલી રહેલી ઇઝરાયલી કાર્યવાહીના જવાબમાં લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના હુમલામાં વધારો થયો છે. તેના કારણે વેપાર માર્ગો પર અસર પહેલાંથી જ દેખાઈ રહી છે અને હવે જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો ભારત માટે લાંબા સમય સુધી તટસ્થતાની નીતિ જાળવી રાખવી મુશ્કેલ થઈ શકે છે. ઈરાન પર ઈઝરાયેલના હુમલાની પુષ્ટિ બાદ વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલ અને સોનાના ભાવમાં વધારો થયો છે. ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૯૦ ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. તે જ સમયે સોનાની કિંમત એક નવા રેકોર્ડને સ્પર્શી છે અને તે પ્રતિ ઔંસ ૨,૪૦૦ ડોલરના સ્તર પર પહોંચી ગઈ છે.

ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. નિષ્ણાતો માને છે કે ભારત દ્વારા આપવામાં આવેલો જવાબ તેની વિદેશ નીતિમાં અસંગતતા દર્શાવે છે. ડો.પ્રેમાનંદ મિશ્રાનું માનવું છે કે ઈરાન પર પહેલાં પણ અમેરિકન પ્રતિબંધો હતા પરંતુ હવે સ્થિતિ અલગ છે. હવે જો ભારત ઈઝરાયલ સાથે સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો ઈરાન સાથે તમારા સંબંધો ખૂબ ખરાબ થઈ શકે છે અને જો તે ઈરાન સાથે નિકટતા બતાવશે તો તેને ઈઝરાયલની સાથે અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

તેઓ કહે છે કે ભારત દ્વારા આ કટોકટી પર વધુ વકતૃત્વ કરવાનું ટાળવું એ પણ એક સંકેત છે કે ભારતમાં પણ મૂંઝવણભરી પરિસ્થિતિ છે. આ મૂંઝવણભરી સ્થિતિ કોઈ પડકાર નથી પરંતુ કોઈ પણ દેશની વિદેશ નીતિમાં કટોકટી છે. આ રાજદ્વારી કટોકટી પણ છે, કારણ કે ભારતની વિદેશ નીતિ આવા મુદ્દાઓમાં તટસ્થતા રાખે છે. ભારત સંપૂર્ણપણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફસાઈ ગયું છે.

ડો. પ્રેમાનંદ મિશ્રા કહે છે કે ભારત માટે આ આગળ કૂવો અને પાછળ ખાડો જેવી સ્થિતિ છે. તેમનું કહેવું છે કે વધતા તણાવને કારણે ભારત માટે આ મામલે મૌન જાળવી રાખવું અથવા લાંબા સમય સુધી તટસ્થ રહેવું મુશ્કેલ બની શકે છે. ઈઝરાયેલ સાથે ભારતના રાજદ્વારી સંબંધોનો ઈતિહાસ બહુ લાંબો નથી. ઇઝરાયેલ ૧૯૪૮માં એક દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ ભારતે તેની સાથે ૧૯૯૨માં રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. જો કે ત્યાર પછી ઈઝરાયેલ સાથે ભારતના સંબંધો દિવસે ને દિવસે વધુ મજબૂત થતા ગયા છે.

હવે ઇઝરાયેલ ભારતને શસ્ત્રો અને ટેક્નોલોજીની નિકાસ કરતા ટોચના દેશોમાંનો એક છે. ઉલટું ઈરાન સાથે ભારતના જૂના સંબંધો છે. ઈરાન ભારતને તેલ સપ્લાય કરતા ટોચના દેશોમાંનો એક હતો. તેના પરમાણુ કાર્યક્રમને કારણે ઈરાન પર પ્રતિબંધો લાદવામાં આવ્યા તે પહેલાં ઈરાન ભારતને બીજા નંબરનો સૌથી મોટો તેલ નિકાસકાર દેશ હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ભારતે ઈરાન સાથે સંતુલિત સંબંધો જાળવી રાખ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ વર્ષે ઈરાનની મુલાકાત લીધી હતી.

ઈરાનના ચાબહાર પોર્ટના નિર્માણમાં ભારતે રોકાણ કર્યું છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આ બંદર ભારત અને ઈરાન બંને માટે મહત્ત્વપૂર્ણ છે. આ પોર્ટ દ્વારા ઈરાનને પશ્ચિમી દેશોના પ્રતિબંધોની અસર ઘટાડવામાં મદદ મળશે. ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડશે નહીં. ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ કહ્યું કે યુદ્ધ રોકવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

જો કે ઈરાજ ઈલાહીએ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મધ્યસ્થીનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ જો આવી તક આવશે તો ભારત માટે તે આસાન નહીં હોય. ડો. પ્રેમાનંદ મિશ્રા કહે છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સૌથી મોટી સમસ્યા એ છે કે આ બંને દેશો વિચારધારાના આધારે ચાલે છે. બંને વચ્ચે સર્વસંમતિ બનાવવી સરળ નથી. ઈરાન સ્પષ્ટપણે માને છે કે પેલેસ્ટાઈનનો મુદ્દો મંત્રણામાં સામેલ હોવો જોઈએ. ભારત બે રાષ્ટ્રોના સિદ્ધાંતમાં માને છે. ભારત ઇઝરાયેલ પર હમાસના હુમલાને આતંકવાદી હુમલો માને છે, જેને ઈરાન માનતું નથી. આવી સ્થિતિમાં સર્વસંમતિ હોવી મુશ્કેલ છે. જો કે, તેમનું માનવું છે કે આટલા બધા મુદ્દાઓ ગૂંથાયેલા હોવા છતાં તેનો એક સરળ જવાબ હોઈ શકે નહીં, કારણ કે ભારત જૂન સુધીમાં સંપૂર્ણ ચૂંટણી મોડમાં હશે.

ઈરાનનું ઈસ્ફહાન શહેર તેના મહેલો, ટાઈલ્સવાળી મસ્જિદો અને મિનારાઓ માટે પ્રખ્યાત છે. તે લશ્કરી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર પણ છે. ગુરુવારે આખી રાત આ શહેરમાં વિસ્ફોટના અવાજો સંભળાયા. ઈસ્ફહાન ઈરાનનું ત્રીજું સૌથી મોટું શહેર છે. તેનું નામ નેસફ-એ-જહાં અથવા અડધી દુનિયા છે. તે ઝાગ્રોસ પર્વતોની નજીક ઈરાનની મધ્યમાં આવેલું છે અને તેની આસપાસના વિસ્તારોમાં ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ બનાવતી ફેક્ટરીઓ આવેલી છે. નાતાન્ઝ ન્યુક્લિયર સેન્ટર નજીકમાં છે. ઈરાનના પરમાણુ સંવર્ધન કાર્યક્રમનું આ સૌથી મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. ઈસ્ફહાનનું નામ ઈરાનની પરમાણુ સુવિધાઓ સાથે સંકળાયેલું હોવાને કારણે મિસાઇલ હુમલાઓને ધ્યાન ખેંચવામાં આવેલા પ્રતીકાત્મક હુમલા તરીકે જોવામાં આવ્યા હતા.

જો આ ઈઝરાયેલ હુમલો હતો તો લાગે છે કે બેન્જામિન નેતન્યાહુની સરકારે ઈરાનને સંદેશો આપ્યો છે. વાસ્તવમાં તે ઈરાનને એવું કહેવાનો પ્રયાસ કરી રહી હતી કે ઈઝરાયેલ તે વિસ્તારમાં સંવેદનશીલ લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે તે આવું કરવાથી બચી રહ્યું છે. ઈરાનના અધિકારીઓએ તરત જ જાહેરાત કરી હતી કે ઈસ્ફહાન પ્રાંતમાં પરમાણુ કેન્દ્રો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો નથી.

તેણે નકારી કાઢ્યું છે કે તે તેના નાગરિક પરમાણુ કાર્યક્રમનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો ધરાવતા રાજ્ય બનવા માટે કરી રહ્યું છે. જો કે રાતોરાત શું થયું તે અંગે વિરોધાભાસી અહેવાલો છે. ઈરાનની સ્પેસ એજન્સીના પ્રવક્તા હુસૈન ડેલિરિયનએ કહ્યું કે ઘણા ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા છે. પ્રવક્તાએ મિસાઈલ હુમલો થયો હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા. કેટલાક ઈરાની મિડિયાએ ઈસ્ફહાન એરપોર્ટ અને એક સૈન્ય એરબેઝ નજીક ત્રણ વિસ્ફોટોની જાણ કરી હતી. હજુ સુધી ઈરાને પણ પુષ્ટિ કરી નથી કે તે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલો મિસાઈલ હુમલો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top