Charchapatra

અશાંતિને શાંત કરવા ભોગ આપવો જ રહ્યો

એક માણસની અપકવ વિચારધારા કે પોતાનો નિર્ણય જે અંત:કરણનો છે, પ્રગટ કરવાના ભયથી આજે સમગ્ર રાજયમાં વિનાશી સમસ્યાનો ઉદ્‌ભવ થવાની શકયતા વધી રહી છે. જે બુદ્ધિશાળી માણસે પોતાની અક્ષમ્ય ભૂલને સ્વીકારી માફી માંગી છે, તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી માનવતાનું લક્ષણ છે. પણ તે વ્યકિતના દોષને સંતાડવા રાજય સરકાર, પક્ષના શ્રેષ્ઠીઓ,કેન્દ્રના શાસકો પ્રયત્નશીલ રહીને જીદે ચઢીને એક મહાઉપયોગી સમાજની સામુહિક વિચારધારા પર દુર્લક્ષ કરે છે એ કેટલું ઉચિત ગણાય? એક વ્યકિત અને એક સમાજની સામુહિક એકતા બંનેનો સુમેળ સાધવા કયો ઉપાય ફળદાયી છે એનો ઉપાય જીદ કે હઠપ્રધાન રહેવું, એ કદાપિ હોઇ શકે નહીં.

આ સાધારણ વિકોપ ભયંકર અને દઝાડનારો થઇ શકે એવો છે. મૂળમાં પક્ષમાં અને રાજય અને દેશમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે યથોચિત ઉપાય ઔષધી છે. જેમના માટે આટલી જીદ અને હઠને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એ સુવિધ વ્યકિતને કોઇ આકર્ષક, ફળદાયી સ્થાન તો આપી શકાય? અને એમના સ્થાને બીજી પ્રામાણિક, પવિત્ર, શુધ્ધ આચરણવાળી વ્યકિતને તક આપી જ શકાય છે. તો ભભૂકેલી આગ કોઇનો ભોગ લેવા સિવાય શાંત થશે. નહિ તો પક્ષ આજ્ઞાંકિત એ સમસ્યા વ્યકિત પોતે જ આ સમરાંગણમાંથી હટી જાય તો દવા વિના રોગ મટી જાય. તરત જ વિચાર કરવા જેની વાત મૂકી છે જે ફકત રાજયની અને પક્ષની શાંતિ માટેની છે.

સુરત     – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતી હોવું એટલે?
આઝાદીનો જંગ હોય કે પછી આઝાદી પછીની રાજનીતિ,બિઝનેસ હોય કે વર્તમાન રાજનીતિ, ગુજરાતીઓની બોલબાલા પહેલાંથી જ રહી છે.શરૂથી જ ગુજરાતનાં ખમીરને,ગુજરાતીના ઝમીર કે ખુદ્દારીને કોઈ મિટાવી શક્યું નથી અને મિટાવી શકશે પણ નહીં.ખુદ ગુજરાતી પણ નહીં. કંઇક અલગ જ જોમ જુસ્સો છે આ ગુજરાતની માટીમાં અને ગુજરાતીઓમાં.પણ આજે ઘણા સવાલ આ ગુજરાતની અસ્મિતા પર ચોક્કસ છે.જે લોકોને વર્ષોથી ગુજરાતીઓએ સત્તા સોંપી છે એ લોકો જ ગુજરાત અને ગુજરાતીઓને પોતાની કઠપૂતળી સમજી રહ્યાં છે.આટલાં વર્ષો પછી ગુજરાતમાં આટલી મોંઘવારી કેમ? બેરોજગારી કેમ? ગરીબી કેમ? ભ્રષ્ટાચાર કેમ? મંદિરના પ્રસાદમાં મનમાની કેમ? શાળામાં એક શિક્ષક કેમ? શિક્ષણ ખાડે ગયેલું કેમ? નકલીની બોલબાલા કેમ?

જી હજુરિયાઓની ચાપલૂસી કેમ? પક્ષના અધ્યક્ષ ગુજરાતી કેમ નહીં? હિન્દુ મુસ્લિમ કરનારા નેતાઓના ધંધા રોજગારની ખબર કરો, કેટલા એકબીજાના ભાગીદાર હશે તો પ્રજાને લડાવવાનું કેમ? નકલી માવો, ઘી,દૂધ,કચેરી,ટોલ બુથ ,અધિકારી બધું જ નકલી કેમ? પાણી,હવા પ્રદૂષિત કેમ? ઉદ્યગપતિઓને રાહતો તો ખેડૂતોને અન્યાય કેમ? જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજ સમાજ વચ્ચે અણબનાવ કેમ? શું આપણે મૂર્ખ છીએ? શું આપણે ડરપોક છીએ? શું અન્યાય સહન કરવાની આદત પડી ગઈ છે? શું ગુજરાત કોઈ એક પક્ષ કે એક વ્યક્તિની જાગીર છે? પ્રજા માટે અવાજ ઉઠવનાર નેતા ક્યાં છે?
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top