National

કર્ણાટક: ફૈયાઝે નેહાને આપી દર્દનાક મોત, પિતાએ સરકારને અપીલ કરી કહ્યું- મારા દીકરાને એવી સજા આપો કે…

હુબલીમાં કોલેજ કેમ્પસમાં (College Campus) કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રીની હત્યા કરનાર 23 વર્ષીય ફૈયાઝના પિતાએ (Father) પીડિત પરિવારની માફી માંગી છે. તેમણે પોતાના પુત્રને કડકમાં કડક સજાની માંગ પણ કરી છે. ફૈયાઝના પિતા બાબા સાહેબ સુબાની જે વ્યવસાયે શાળાના શિક્ષક છે તેમણે શનિવારે મીડિયાને જણાવ્યું કે તેમને ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ થઈ અને તેઓ તેમના પુત્રના કૃત્યથી સંપૂર્ણપણે દુઃખી થઈ ગયા. તેમણે આંસુ ભરેલી આંખો સાથે કહ્યું કે તેને (ફૈયાઝ)ને એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. હાથ જોડીને હું નેહાના પરિવારજનોની માફી માંગુ છું. તે મારી દીકરી જેવી હતી.

કોંગ્રેસ કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી 23 વર્ષીય નેહા હિરેમઠની ગુરુવારે 18 એપ્રિલે કર્ણાટકના હુબલીમાં BVB કોલેજ કેમ્પસમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. નેહા એમસીએ ફર્સ્ટ યરની સ્ટુડન્ટ હતી. તે જ કોલેજના ડ્રોપઆઉટ વિદ્યાર્થી ફૈયાઝ ખોંદુનાઈકે (23) નેહાના ગળા અને પેટ સહિત તેના શરીર પર છરી વડે સાત વાર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં ફૈયાઝ નેહા પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે.

ફૈયાઝ તેની માતા સાથે રહેતો હતો
ફૈયાઝના પિતા બાબા સાહેબ સુબાનીએ કહ્યું કે તે અને તેમની પત્ની છેલ્લા છ વર્ષથી અલગ રહેતા હતા અને ફૈયાઝ તેની માતા સાથે રહેતો હતો. જ્યારે પણ તેને પૈસાની જરૂર હોય ત્યારે તે તેમને ફોન કરતો હતો. લગભગ ત્રણ મહિના પહેલા તેમણે તેના પુત્ર સાથે છેલ્લી વાત કરી હતી. ફૈયાઝના પિતાએ જણાવ્યું કે લગભગ આઠ મહિના પહેલા નેહાના પરિવારે તેમને ફોન કરીને જાણ કરી હતી કે તેમનો પુત્ર નેહાને હેરાન કરે છે. પુત્રની ભૂલ સ્વીકારતા તેમણે કહ્યું કે ફૈયાઝ અને નેહા એકબીજાને પ્રેમ કરતા હતા. ફૈયાઝે મને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ મેં તેને હાથ જોડીને ના પાડી દીધી હતી.

બીજી તરફ નેહાના પિતાએ જણાવ્યું કે હત્યાનો હેતુ એ હતો કે પીડિતાએ આરોપીના પ્રેમ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ઘટના બની તે પહેલા આરોપી સાથે અમારી વાતચીત થઈ હતી. અમે તેને સમજાવ્યું હતું કે અમે હિંદુ છીએ અને તમે મુસ્લિમ છો તેથી અમે તમને લગ્ન કરવાની મંજૂરી આપી શકીએ નહીં.

પીડિતાના પરિવારની માંગ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તો જ તેમની દીકરીની આત્માને શાંતિ મળશે. તેમણે કહ્યું કે તેમની પુત્રી ફૈયાઝ સાથે સંબંધમાં ન હતી. આરોપીએ નેહાને ચાકુ માર્યું કારણ કે તેણે તેનો પ્રસ્તાવ નકારી દીધો હતો. 18 એપ્રિલે બનેલી ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા ફૈયાઝને ફાંસીની સજાની માંગણી સાથે રાજ્યના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

Most Popular

To Top