SURAT

ગરમીથી બચવા સુરતીઓએ એક જ કલાકમાં આટલા કરોડની વીજળી વાપરી નાંખી, આંકડો જાણી કરંટ લાગશે!

સુરત: આ વખતે ગરમીએ હદ વટાવી છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન તો ઘરની બહાર નીકળવું અઘરું થઈ પડ્યું છે. તંત્રએ પણ લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા અને સતત પાણી પીતા રહેવા સૂચન આપ્યું છે.

ઘરમાં પણ ચેન પડતું નથી. બહાર આકરો તાપ અને ચાર દિવાલ વચ્ચે ભારે બફારો અસહ્ય થઈ પડ્યો છે, તેના લીધે લોકો બપોરના સમયે બારી બારણાં બંધ કરી એરકન્ડીશન ચાલુ કરતા થયા છે. જોકે, લોકોને હેરાન કરતી આ ગરમીએ વીજકંપનીને જલસા કરાવી દીધા છે. એકાએક વીજવપરાશ વધી ગયો છે. સુરતમાં વીજળીનો વપરાશ એક જ દિવસમાં 11.12 કરોડ યુનિટ વધી ગયો હતો.

ગઈ તા. 18 એપ્રિલને ગુરુવારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે ગરમી પડી હતી. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ દિવસે ગરમી વધારે પડતા લોકોએ બપોરના સમયે એરકન્ડીશનર ચાલુ કરવાની ફરજ પડી હતી, જેના લીધે 18 એપ્રિલે એક જ દિવસમાં 11.12 કરોડ યુનિટ વીજવપરાશ થયો હતો.

સામાન્ય દિવસોમાં 9 કરોડ યુનિટનો વીજવપરાશ થતો હોય છે પરંતુ 18 એપ્રિલે 11 કરોડથી વધુ વીજળી વપરાઈ હતી. આ એક રેકોર્ડ છે. ભૂતકાળમાં સુરતમાં એક દિવસમાં આટલા મોટા પ્રમાણમાં વીજળી વપરાઈ નથી. 1.12 કરોડ યુનિટનું બિલ 83.43 કરોડ રૂપિયા થાય. એટલે એવું કહી શકાય કે આ વખતે વીજળીનું બિલ ધરખમ આવશે. કદાચ તે ભરવા માટે લોકોએ સગાસંબંધીઓ પાસેથી લોન લેવી પડે તો નવાઈ નહીં.


દરમિયાન ડીજીવીસીએલના સૂત્રોએ કહ્યું કે, છેલ્લાં 18 દિવસથી ગરમી વધવા સાથે વીજળીનો વપરાશ વધ્યો છે. 18 દિવસમાં 1439.65 કરોડ રૂપિયાની 192.58 કરોડ યુનિટનો વીજવપરાશ થયો છે. ગઈ તા. 1 એપ્રિલથી જ વીજવપરાશ વધ્યો છે. સરેરાશ 10 કરોડ યુનિટ વધુ વપરાઈ રહી છે. એસીનો ઉપયોગ વધતા દૈનિક 1 કરોડ યુનિટની માંગ વધી છે.

18મી એપ્રિલે બપોરે 2થી 3માં સૌથી વધુ ડિમાન્ડ રહી હતી. 1 કલાકમાં 2 કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ થયો હતો. જેની કિંમત 15.26 કરોડ રૂપિયા થાય છે. નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની તાપીથી વાપી સુધીમાં 37.43 લાખ ગ્રાહકોને વીજપુરવઠો પુરો પાડે છે.

Most Popular

To Top