Vadodara

વડોદરા : વીજ કંપનીનું ચેકીંગ, 12 વીજ જોડાણો પૈકી 4માં વીજ ચોરી ઝડપાઈ

વીજ અધિનિયમ 2003ની કલમ 135 મુજબ કાર્યવાહી

વીજ ચોરીમાં ભરવાપાત્ર વીજ બીલ રૂ.18 લાખ આંકવામાં આવ્યું

( પ્રતિનિધિ ) વડોદરા તા.18

એમજીવીસીએલની માંડવી સબ ડીવીજન પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં જુદીજુદી ટીમો દ્વારા વીજ ચેકિંગની ઝૂંબેશ હાથ ધરવામા આવી હતી. જેમા કુલ 12 વીજ જોડાણો તપાસ કરતા 4 વીજ જોડાણમા વીજ ચોરી ઝડપાઈ હતી. જેનુ 135 કલમ હેઠળ વીજ ચોરીના બીલ દંડની રકમ સાથે કુલ.18 લાખ રુપિયા આંકવામા આવ્યુ છે.

સમગ્ર રાજ્ય સહિત વડોદરામા છેલ્લા ઘણા દિવસોથી ગરમીના તાપમાનમા વધારો નોંધાઈ રહ્યો છે. ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયો છે. નગરજનો પણ આકરી ગરમીના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બપોર દરમિયાન શહેરના રાજમાર્ગો પણ સૂમસામ ભાસી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમા લોકો વીજ ચોરી પણ કરતા હોય છે. જેને અટકાવવા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ વીજ ચેકિંગની ઝૂંબેશ હાથ ધરવામા આવી છે. જેમાં સંવેદનશીલ વિસ્તાર હોય તો પોલીસ બંદોબસ્ત સાથે પણ કામગીરી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે માંડવી સબ ડીવીજન પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારો જેવા કે, ચૂડી વાડી ગલી, સફફા મરવા કોમ્પલેક્ષ, સરસીયા તળાવ રોડ , મંગલેશ્વર ઝાપા, ગેંડા ફળિયા હાથીખાના વિગિરે વિસ્તારમાં જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તેમાં કુલ ૧૨ વીજ જોડાણો તપાસ કરતા તે કુલ પૈકી ૪ વીજ જોડાણમા વીજ ચોરી ઝડપાઈ હતી. જેનું ૧૩૫ કલમ હેઠળનું વીજચોરીનું દંડ સાથેનું ભરવા પાત્ર બિલ ૧૮ લાખ જેટલું આંકવામા આવ્યુ છે. નોંધનીય છે કે, વીજ અધિનિયમ 2003ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ, પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે. કલમ 135માં એક તો પોલીસ કેસ થાય છે તેમજ કંપનીની ગણત્રી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે. તેમજ દિવાની રાહે પૈસા વસુલ કરવા કંપની કેસ દાખલ કરે છે. ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.

Most Popular

To Top