Sports

હિટમેન રોહિત શર્મા કઈ વાતે ગુસ્સે ભરાયો?, કહ્યું, આ બધું બકવાસ છે…

નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડકપ ( ICC Mens T20 World Cup) 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને યુએસએમાં (USA) રમાશે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની (Indian Cricket Team) જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે. અજીત અગરકરના (Ajit Agarkar) નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની (selectors) બેઠક આ મહિનાની છેલ્લી તારીખ 30 એપ્રિલ અથવા આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 મેના રોજ યોજવામાં આવી શકે છે.

દરમિયાન T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીને લઈને અફવાઓનું બજાર ખૂબ જ ગરમ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટીમની પસંદગીને લઈને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે મુલાકાત કરી હતી. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે.

હવે રોહિત શર્માએ તે મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. રોહિતે આ તમામ સમાચારોને બકવાસ ગણાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના (Australia) દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટ (Adam Gilchrist) અને પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન માઈકલ વોન (Michael Vaughan) સાથેની વાતચીતમાં રોહિતે કહ્યું, હું કોઈને મળ્યો નથી. અજીત અગરકર દુબઈમાં ક્યાંક છે, તે ગોલ્ફ રમી રહ્યો છે. રાહુલ દ્રવિડ પોતાના બાળકને રમતા જોઈ રહ્યો છે.

આ મહિને 37 વર્ષનો થવા જઈ રહેલા રોહિત કહે છે, સાચું કહું તો અમે મળ્યા નથી. આજના જમાનામાં, જ્યાં સુધી તમે મને, રાહુલને, અજિતને કે બીસીસીઆઈ (BCCI)માંથી કોઈને કેમેરાની સામે આવીને વાત કરતા ન સાંભળો ત્યાં સુધી તે બકવાસ છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને રોહિત શર્માને પૂછ્યું કે શું કોઈ એવો ખેલાડી છે જેને તે માત્ર મનોરંજન માટે ટીમમાં રાખવા ઈચ્છે છે. આના પર રોહિતે હસીને કહ્યું કે તે ચોક્કસપણે રિષભ પંતને ટીમમાં રાખશે.

પંત મને ખૂબ હસાવે છે
રોહિત રોહિત શર્માએ કહ્યું, સાચું કહું તો આ બધા લોકો એકદમ ક્રેઝી છે. જો કોઈ મને હસાવશે તો તે રિષભ પંત (Rishabh Pant) છે. તે એક પાગલ વ્યક્તિ છે. હું તેને નાનપણથી જ જોતો આવ્યો છું. અકસ્માતને કારણે તે એક વર્ષ સુધી ન રમી શક્યો ત્યારે હું ખૂબ નિરાશ થયો હતો. તે એકદમ રમુજી છે. તે સ્ટમ્પ પાછળ જે પ્રકારની વસ્તુઓ કરે છે તે તમને હસાવશે. મને આ બહુ ગમે છે.

ત્રણ તબક્કામાં રમાશે T20 વર્લ્ડકપ
આ વખતે T20 વર્લ્ડ કપ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને દરેક 5 ના 4 જૂથોમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. તમામ 8 ટીમોને 4-4ના 2 જૂથમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બે ટીમો સેમિફાઇનલ મેચ દ્વારા ફાઇનલમાં પ્રવેશ કરશે.

T20 વર્લ્ડ કપના ગ્રુપ
ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, USA
ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની
ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

Most Popular

To Top