National

કેન્દ્રમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે તો આ બે કાયદા નાબૂદ કરાશે, મમતા બેનરજીનું એલાન

સિલચર: ભારતીય જનતા પાર્ટી (BJP) પર આખા દેશને “ડિટેન્શન કેમ્પ” માં ફેરવવાનો આરોપ લગાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે તા. 17 એપ્રિલે કહ્યું કે જો વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ સત્તામાં આવશે તો નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) નાબૂદ કરવામાં આવશે.

મમતા બેનર્જીની (Mamta Banerjee) પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (TMC) બુધવારે લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) માટે પોતાનો મેનિફેસ્ટો (Manifesto) બહાર પાડ્યો હતો. ટીએમસીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે તો તે CCA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. આ સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ કરી દેવાશે.

તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે. TMCએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતના બે દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં 19 એપ્રિલે મતદાન થશે.

ટીએમસીનો ઢંઢેરો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે મમતા બેનર્જીએ દેશની જનતાને 10 વચનો આપ્યા છે. અમારું વલણ એ છે કે બંગાળમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. NRC અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને પણ લાગૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જો તૃણમૂલ ભારત બ્લોકના ભાગરૂપે કેન્દ્રમાં સરકાર બનાવે તો આ વચનો પૂરા થશે. ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે જો મમતા દીદીના સમર્થનથી કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો મનરેગા હેઠળ માનદ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે. દરેક માટે કાયમી મકાનો બનાવવામાં આવશે.

TMCના મેનિફેસ્ટો અનુસાર જો કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાય છે. તો તમામ BPL પરિવારોને એક વર્ષમાં 10 મફત સિલિન્ડર મળશે. દુઆરે રાષ્ટ્રીય સ્તરે રાશન યોજના અમલમાં મૂકશે અને દરેક રેશનકાર્ડ ધારકને તેમના નિવાસ સ્થાને 5 કિલો મફત રાશન પહોંચાડવામાં આવશે.

60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને દર મહિને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. લક્ષ્મી ભંડાર યોજના રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે જે અંતર્ગત મહિલાઓને એક નિશ્ચિત માસિક રકમ આપવામાં આવશે. તમામ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ આપશે.

Most Popular

To Top