SURAT

ઉધના-પટના એક્સપ્રેસ ટ્રેનનું રિઝર્વેશન માત્ર 40 સેકન્ડમાં જ ફૂલ, લાઈનમાં પહેલા ઉભેલાને પણ ટિકિટ ન મળી

સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વસતા પરપ્રાંતિયો, તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે વતન જવા ટ્રેન જ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે. તેથી જે પણ ટ્રેન શરૂ થાય તે તાત્કાલિક ફુલ થઈ જાય છે. હાલમાં પણ ઉધના-પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાયા બાદ બુકિંગ શરૂં થયું, તેના 40 સેકંડમાં જ આખી ટ્રેન બુક થઈ ગઈ હતી.

  • લાઈનમાં વિન્ડો પાસે સૌથી પહેલાં ઉભેલા મુસાફરને પણ ટિકિટ ન મળી!
  • 19મીની રિઝર્વ્ડ ટ્રેન જાહેર કરાઈ ને બુકિંગ 15મીની સવારે શરૂ કરાયું, છતાં સ્થિતિ જૈસે થે

સૂરત સહિત દક્ષિણ ગુજરાતમાં 15 લાખથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રહે છે. તેમને વતન જવા માટે ટ્રેન જ એક યોગ્ય વિકલ્પ છે. પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર માટે સુરતથી ખુબજ મર્યાદિત ટ્રેનો છે. લોકોને અમદાવાદ, મુંબઈ, દિલ્હી કે ભુસાવલ જઈ ત્યાંથી ટ્રેનમાં વતન જવાની ફરજ પડી રહી છે. દિવાળીમાં સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના થઈ તેના કારણે સુરત-ઉધનાથી અનરીઝર્વ્ડ ટ્રેનો દોડાવાઈ રહી છે. પરંતુ રીઝર્વ્ડ ટ્રેનો ખૂબ જ ઓછી દોડાવાઈ રહી છે. હાલમાં પશ્ચિમ રેલવેએ ઉધનાથી-પટના માટે 19મીએ રીઝર્વ્ડ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. તેનું બુકિંગ 15મીએ એટલે કે આજે સવારે થરૂ થયું હતું. ખાસ વાત એ રહી કે આ ટ્રેન માત્ર 40 સેકંડમાં ફુલ થઈ ગઈ હતી. કેટલીક જગ્યા પર વિન્ડો પર પહેલા નંબર પર જે પ્રવાસી ટિકિટ માટે ઉભો હતો, તેને પણ ટિકિટ મળી ન હતી.

બુકિંગ શરૂ થયું ને માત્ર 10 જ મિનીટમાં 150થી વધુનું વેઈટિંગ!
રામેશ્વરસિંગ નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે તેમના પરિવારના 5 સભ્યોને વારાણસી જવું છે. 20મીએ ત્યાં લગ્ન પ્રસંગ છે. તેથી 19મીની ઉધના-પટના એક્સપ્રેસની ટિકિટ લેવા ગયા તો બુકિંગ શરૂ થયાની 10 મિનિટમાં 150થી વધુનું વેઇટિંગ આવી ગયું. રેલવેએ તાત્કાલિક બીજી રીઝર્વડ ટ્રેનો પણ દોડાવવી જોઈએ, એવી માંગ ઉઠી છે.

Most Popular

To Top