SURAT

મિઠાઈ ભરેલી કારનો અકસ્માત થતાં સુરતના રસ્તા પર ગુલાબજાંબુની ચાસણી ઢોળાઈ, લોકો લપસ્યાં

સુરત(Surat) : શહેરમાં આજે વિચિત્ર અકસ્માત (Accident) થયો હતો. મિઠાઈ (Sweets) લઈ જતી એક કારનો (Car) અકસ્માત થયો હતો, જેના લીધે રસ્તા પર મિઠાઈ ઢોળાઈ ગઈ હતી. મિઠાઈની ચાસણી રસ્તા પર ફેલાતા વાહનચાલકો લપસ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સોમવારે તા. 15 એપ્રિલની સવારે રિંગરોડ પર મજૂરા ગેટ નજીક એક મિઠાઈ ભરેલી કારનો અકસ્માત થયો હતો. મિઠાઈ લઈને જતી ઈકો કારના ડ્રાઈવરે કોઈ કારણોસર અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના લીધે કાર મોપેડને અથડાઈ હતી. બાદમાં કારમાંથી રસગુલ્લા અને ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ ગયાં હતાં. ગુલાબજાંબુ અને રસગુલ્લાની ચાસણી રસ્તા પર ઢોળાઈને રેલમછેલ થઈ ગઈ હતી, જેના લીધે રસ્તો ચીકણો થઈ જતા વાહનચાલકો લપસ્યા હતા.

આ અકસ્માતમાં ઈકો કારના ડ્રાઈવરને ઇજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન સપ્તાહના ઉઘડતા દિવસે સોમવારે સવારે બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત થતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.અંદાજે બેથી ત્રણ કિલોમીટર જેટલા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાહનચાલકો હેરાન થયા હતા. જોકે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો.

લાલગેટના રેડીમેડ લેડીસ કપડાના શોરૂમમાં આગ ફાટી નીકળી
સુરત: લાલગેટ સ્થિત લેડીસ ગાર્મેન્ટ્સના તૈયાર કપડાના એક શોરૂમમાં રવિવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટને કારણે ભભૂકેલી આગને કારણે શોરૂમમાં રાખેલો તૈયાર કપડાં સહિતનો માલ સમાન બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ મુગલીસરા અને ઘાંચી શેરીની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કવાયતમાં લાગી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રાજમાર્ગ સ્થિત ત્રણ માળનો લેડીસ ગારમેન્ટસનો શોરૂમ આવ્યો છે. આજે વહેલી સવારે 5:51 કલાકે શોરૂમની બહાર લગાવેલી સ્પોટ લાઈટમાં એકાએક શોર્ટ સર્કિટ થયો હતો અને ત્યારબાદ આગ લાગવાની શરૂઆત થઇ હતી. દરમિયાન સ્થાનિક લોકોએ ફાયર કંટ્રોલને ઘટના અંગે જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ મુગલીસરા અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ફાયર સબ ઓફિસર બળવંત રાજપૂતે જણાવ્યું હતું કે, તેમની ટીમ જયારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગ શોરૂમમાં ફેલાઈ ગઈ હતી. આગની હિટિંગને કારણે શોરૂમના કાચ પણ તૂટી ગયા હતા. બીજી તરફ ધુમાડાનું પ્રમાણ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોવાથી શોરૂમમાં ફાયર જવાનોએ બી.એસ.એફ માસ્ક પહેરીને પ્રવેશ કર્યો હતો.

આગ લાગવાને કારણે શો રૂમમાં મૂકેલો રેડિમેડ કપડાંનો જથ્થો, પીઓપીની સીલિંગ અને શોરૂમમાં ડિસ્પ્લે કરેલા મેનેક્વિન બળીને ખાખ થઇ ગયા હતા. ફાયરની ટીમે લગભગ એકાદ કલાકની જહેમત ઉઠાવીને આગને કાબૂમાં કરી લીધા બાદ કુલિંગની કામગીરી કરી હતી. જોકે, શોરૂમ સંપૂર્ણ બંધ અવસ્થામાં હોવાથી કોઈ ઇજા કે જાનહાની થઇ ન હતી.

Most Popular

To Top