World

ઈરાની સૈન્યએ UAEથી ભારત આવી રહેલા ‘ઈઝરાયેલી’ જહાજને કબજે કર્યું, ખાડીમાં ભારે તણાવ

તેહરાનઃ (Tehran) ઈરાને ઈઝરાયેલ (Iran Israel) સાથે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે UAEથી ભારત આવી રહેલા MSC Aris નામના જહાજને કબજે કરી લીધું છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ શનિવારે અહેવાલ આપ્યો છે કે ઈરાની નેવી કમાન્ડોએ ઈઝરાયેલ સાથે સંબંધોના આરોપમાં ભારત આવી રહેલા આ જહાજને કબજે કરી લીધું છે. આ સમગ્ર ઘટના હોર્મુઝ સ્ટ્રેટમાં બની હતી. આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હેલિકોપ્ટર દ્વારા આવેલા ઈરાની સેનાના કમાન્ડોએ આ જહાજને કબજે કરી લીધું છે. આ જહાજ પર પોર્ટુગલનો ધ્વજ લહેરાતો હતો અને તે લંડન સ્થિત કંપની Zodiac Maritime સાથે સંકળાયેલું છે. Zodiac Group ઝરાયેલના અબજોપતિ Eyal Ofer નું છે.

Zodiac Groupએ આ સમગ્ર ઘટના પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. MSC એરિસને છેલ્લે શુક્રવારે દુબઈના દરિયાકિનારે જોવામાં આવ્યું હતું અને તે હોર્મુઝની સ્ટ્રેટ તરફ જઈ રહ્યું હતું. જહાજે તેના ટ્રેકિંગ ડેટાને બંધ કરી દીધો હતો જે આ વિસ્તારમાંથી પસાર થતા ઇઝરાયેલી જહાજો માટે સામાન્ય છે. આ પહેલા બ્રિટિશ મિલિટ્રી સાથે જોડાયેલા એક સંગઠને પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી. વીડિયોમાં ક્રૂ મેમ્બરના સભ્યોમાંથી એક સભ્યને એવું કહેતા સાંભળવામાં આવે છે કે બહાર નહીં આવો.. આ પછી ઈરાની સેનાના વધુ કમાન્ડો જહાજ પર ઉતર્યા હતા. એક કમાન્ડો અન્ય કમાન્ડોને કવર પૂરો પાડતો તેની બંદૂકનો ઈશારો કરતો જોવા મળ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર જહાજમાં 17 ભારતીય નાગરિકો પણ હાજર છે. અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જહાજમાં 20 ક્રૂ મેમ્બર હતા જેઓ ફિલિપાઈન્સના નાગરિક છે. ઘટના બાદ ઈઝરાયેલ આર્મીના પ્રવક્તા દાનિયાર હગારીએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલા પર ચૂપ નહીં રહીએ. આનો જવાબ આપવામાં આવશે. અહીં ભારત-અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને જર્મની સહિત 6 દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલ ન જવાની સલાહ આપવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છેકે આ હેલિકોપ્ટરનો ઉપયોગ ઈરાની અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવે છે જે પહેલા જ જહાજો પર હુમલો કરી ચૂકી છે. ઈરાની નેવીએ આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાની હુમલાના ખતરાને જોતા અમેરિકાએ પણ આ વિસ્તારમાં મોટા પાયે યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા ઈઝરાયેલને મદદ કરશે તો તેને પણ નિશાન બનાવવામાં આવશે.

અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે ઈરાન આગામી દિવસોમાં ઈઝરાયેલની અંદર સૈન્ય અને સરકાર સાથે જોડાયેલા લક્ષ્યો પર હુમલાનો આદેશ આપી શકે છે. અમેરિકન ઈન્ટેલિજન્સ એસેસમેન્ટ બાદ આ ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકન ઈન્ટેલિજન્સ એસેસમેન્ટને ટાંકીને બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલ અથવા ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલની અંદર હુમલો કરી શકે છે. જો કે રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી થયું કે ઈરાન સીધી કાર્યવાહી કરશે કે તેના પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરશે.

Most Popular

To Top