Karjan

કરજણના અભરા ગામે ખાતર વિવાદે લીધો જીવ: મજૂરની હત્યા

સામાન્ય બોલાચાલી બની જીવલેણ, પાવડાના ઘાથી મજૂરનું મોત
ખેતીના કામ દરમિયાન બનેલી ઘટનાથી ગામમાં શોકનો માહોલ

કરજણ: કરજણ તાલુકાના અભરા ગામે ખેતીની મોસમ દરમિયાન બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ખાતર કાઢવા જેવી સામાન્ય બાબતે બે મજૂરો વચ્ચે થયેલી બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે એક મજૂરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અભરા ગામે ધર્મેશભાઈ પરમારના ખેતરમાં ગણપતભાઈ રાઠોડીયા અને સુનિલભાઈ રાઠોડીયા નામના બે મજૂરો ખેતી સંબંધિત કામ કરી રહ્યા હતા. ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ખાતર ઉતારવાની કામગીરી દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી.
વિવાદ વધતા સુનિલભાઈ રાઠોડીયાએ આવેશમાં આવીને ગણપતભાઈ રાઠોડીયાના માથાના ભાગે પાવડાથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજા થતાં ગણપતભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત ગણપતભાઈને સારવાર માટે કરજણની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર સાથે શોકનો માહોલ સર્જ્યો છે.

Most Popular

To Top