રિવર્સમાં લસરેલી કાર પાળી કૂદી પાણીમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ
ડભોઇના સહયોગ શાક માર્કેટ પાસે બનાવથી લોકોના ટોળા જામ્યા
ગુજરાત મિત્ર ન્યૂઝ
ડભોઇ, તા. 22 જૂન 2026
ડભોઇના મધ્યમાં આવેલા ઐતિહાસિક ગામ તળાવના કિનારે સ્થિત સહયોગ શાક માર્કેટ નજીક સોમવારે એક ઈકો કાર અચાનક તળાવમાં પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
મળતી માહિતી મુજબ, એક ગ્રાહક ઈકો કાર લઈને શાકભાજીની ખરીદી કરવા સહયોગ શાક માર્કેટ ખાતે આવ્યો હતો. તેણે પોતાની કાર તળાવ તરફના ઢોળાવ પાસે આવેલા ઊંચા ભાગમાં પાર્ક કરી હતી. શાકભાજી ખરીદી બાદ પરત ફરતા કાર અચાનક રિવર્સમાં તળાવ તરફ લસરવા લાગી હતી. કારને અટકાવવા માટે ચાલકે દોડી જઈ દરવાજો ખોલી તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ઢોળાવ પરથી સીધી તળાવની પાળી કૂદી પાણીમાં ખાબકી પલટી ગઈ હતી.
બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઇવર સાઇડનો કાચ તોડી કારચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારને નોંધપાત્ર નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.
રિપોર્ટર– સઈદ મનસુરી, ડભોઇ