વુમન્સ T-20 વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે માન્ચેસ્ટરમાં મહત્વપૂર્ણ મુકાબલો રમાઈ રહ્યો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઝડપી શરૂઆત બાદ ભારતને બે મહત્વની વિકેટો ગુમાવવી પડી છે. મેચની શરૂઆતમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરી હતી. ભારતે શરૂઆતના ત્રણ ઓવરમાં જ 30 રન બનાવી દીધા હતા. પરંતુ મેરિઝાન કેપે ત્રીજી ઓવરના અંતિમ બોલ પર સ્મૃતિ મંધાનાને બોલ્ડ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો. મંધાનાએ 12 બોલમાં 17 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
મંધાનાની વિકેટ બાદ શેફાલી વર્માએ જવાબદારી સંભાળી અને સાઉથ આફ્રિકાના બોલરો પર દબાણ બનાવ્યું. તેણે ક્લો ટ્રાયનની એક ઓવરમાં સતત બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને રનની ગતિ જાળવી રાખી હતી. શેફાલી ખૂબ જ આક્રમક અંદાજમાં રમતી દેખાઈ રહી હતી, પરંતુ તેની ઇનિંગ લાંબી ચાલી શકી નહીં. શબનીમ ઇસ્માઇલની ઝડપી બોલિંગ સામે શેફાલી અપર કટ રમવાનો પ્રયાસ કરતી વખતે વિકેટકીપરના હાથમાં કેચ આપી બેઠી. શરૂઆતમાં અમ્પાયરે આઉટ આપ્યું નહોતું, પરંતુ સાઉથ આફ્રિકાએ રિવ્યૂ લેતા અલ્ટ્રાએજમાં સ્પષ્ટ સંપર્ક જોવા મળ્યો અને શેફાલીને પેવેલિયન પરત ફરવું પડ્યું. તેણે માત્ર 15 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.
એક સમયે ભારતનો સ્કોર એક વિકેટે 52 રન હતો, પરંતુ શેફાલીની વિકેટ પડતા ટીમને બીજો ઝટકો લાગ્યો. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને અન્ય બેટર્સ પર મોટી ઇનિંગ રમવાની જવાબદારી આવી ગઈ. આ મેચ હરમનપ્રીત કૌર માટે ખાસ છે, કારણ કે તે 200 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. બીજી તરફ, સાઉથ આફ્રિકા માટે આ મુકાબલો ખૂબ મહત્વનો છે, કારણ કે સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે તેમને જીત જરૂરી છે. ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સતત બે મેચ જીતી ચૂક્યું છે અને જીતની હેટ્રિક નોંધાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે. હવે ટીમ મધ્યક્રમના બેટર્સના પ્રદર્શન પર નિર્ભર રહેશે કે તે સાઉથ આફ્રિકા સામે કેટલો મોટો સ્કોર ઉભો કરી શકે છે.