Vadodara

પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાન પર હુમલો: પાર્કિંગના વિવાદમાં પ્લેટફોર્મ સુધી દોડાવી લાકડીઓ વરસાવી

પીએસઆઈ પરીક્ષાની રજા પર આવેલા જવાન અને તેના ભાણેજને માર માર્યો, વાડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ

વડોદરા, તા. 21 જૂન 2026

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના પ્રતાપનગર રેલવે સ્ટેશન નજીક બની છે. પાર્કિંગના સામાન્ય મુદ્દે ઉશ્કેરાયેલા દંપતી અને તેમના પુત્રએ એક પોલીસ જવાન પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોનો આતંક એટલો વધ્યો હતો કે જવાનને પોતાનો જીવ બચાવવા રેલવે પ્લેટફોર્મ તરફ ભાગવું પડ્યું, તેમ છતાં આરોપીઓએ તેનો પીછો કરીને જાહેરમાં માર માર્યો હતો.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામના વતની અને હાલ નવભારત પોલીસ લાઇનમાં રહેતા ધ્રુવેસિંગ દશરથભાઈ રાઠવા છેલ્લા અઢી વર્ષથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હાલમાં તેઓ પીએસઆઈની પરીક્ષાની તૈયારી માટે રજા પર છે.

શનિવારે વહેલી સવારે પોતાના વતન જવા માટે નીકળેલા ધ્રુવેસિંગ રાઠવા પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે આવેલી અલવી વ્હોરા કબ્રસ્તાનની દીવાલ નજીક બાઈક પાર્ક કરી રહ્યા હતા. તે દરમિયાન એક મહિલાએ તેમની પાસે પાર્કિંગ ચાર્જની માંગણી કરી હતી. ધ્રુવેસિંગે નિયમ મુજબ પાર્કિંગની રસીદ માંગતા મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.

થોડી જ વારમાં મહિલાએ પોતાના પતિ અને પુત્રને બોલાવી લીધા હતા. ત્રણેયે મળીને બાઈક હટાવવાનો મુદ્દો લઈને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન એક શખ્સે લાકડી વડે ધ્રુવેસિંગ પર હુમલો કરી દીધો હતો. મામા પર હુમલો થતો જોઈ વચ્ચે પડેલા તેમના ભાણેજને પણ હુમલાખોરોએ બેરહેમીથી માર માર્યો હતો.

હુમલાખોરોના હુમલાથી બચવા માટે ઈજાગ્રસ્ત હાલતમાં ધ્રુવેસિંગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તરફ દોડ્યા હતા, પરંતુ આરોપીઓએ તેમનો પીછો છોડ્યો ન હતો. પ્લેટફોર્મ પર પહોંચીને પણ તેમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ઘટનાના પગલે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત પોલીસ જવાન ધ્રુવેસિંગ રાઠવાની ફરિયાદના આધારે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોર પરિવારની શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાયદાના રક્ષક પર જ હુમલો, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

પ્રતાપનગર રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે એક પોલીસ જવાનને દોડાવી દોડાવીને માર મારવાની ઘટનાએ શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વધારી છે. સામાન્ય પાર્કિંગના વિવાદમાં ખાખીધારી જવાન પર હુમલો થવો અને હુમલાખોરોનું બેફામ વર્તન દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઘટતો જઈ રહ્યો છે. હવે પોલીસ આવા તત્વો સામે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Most Popular

To Top