સોશિયલ મીડિયાની જાહેરાત જોઈ વડોદરાની ઇમિગ્રેશન ઓફિસે ગયેલી યુવતીઓ સાથે છેતરપિંડી; એજન્ટ ભાઈઓ સામે ગુનો દાખલ
વડોદરા: ગુજરાતમાં યુવાનોમાં વિદેશ જવાની ઘેલી ઘેલછાનો લાભ ઉઠાવીને છેતરપિંડી આચરતી ટોળકીઓ સક્રિય થઈ છે, ત્યારે વડોદરા શહેરમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ન્યૂ વી.આઈ.પી. રોડ પર ખોડિયારનગર પાસે આવેલા અર્થ આઈકોન કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા બે એજન્ટ ભાઈઓએ વિદેશમાં નર્સની પ્રતિષ્ઠિત નોકરી અપાવવાની લાલચ આપીને બે નિર્દોષ યુવતીઓ પાસેથી કુલ રૂપિયા ૧૦.૬૦ લાખ પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામની એકતાનગર કોલોનીમાં રહેતા અને વ્યવસાયે નર્સિંગ ટ્યુટર તરીકે ફરજ બજાવતા નિકિતાબેન જયંતિભાઈ રોહિતે વારસિયા પોલીસ મથકમાં જશવંત ચૌધરી અને તેના ભાઈ દુષ્યંત ચૌધરી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૪માં નિકિતાબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જશવંત ચૌધરીની ‘એકનાથ ઇમિગ્રેશન કન્સલટન્સી’ની જાહેરાત જોઈ હતી. નિકિતાબેન અને તેમની બહેનપણી સિમરન ઈશ્વરભાઈ પરમાર બંને ઓસ્ટ્રિયા ખાતે નર્સિંગની નોકરી કરવા જવા ઇચ્છતા હોવાથી, તેઓએ આ એજન્ટનો સંપર્ક કર્યો હતો અને વડોદરા સ્થિત તેમની ઓફિસે રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન એજન્ટ જશવંત ચૌધરીએ બંને યુવતીઓને યુરોપમાં નર્સિંગની પાકી નોકરી અપાવવાની ખાતરી આપી હતી અને માત્ર ચાર મહિનામાં જ વિઝા સહિતની તમામ પ્રોસેસ પૂરી કરવાનું વચન આપ્યું હતું. આ કામ માટે એજન્ટે વ્યક્તિદીઠ રૂપિયા ૬ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. એજન્ટની વાતોમાં આવીને નિકિતાબેન અને તેમની મિત્રે શરૂઆતમાં ટુકડે-ટુકડે દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૫માં જશવંતના ભાઈ દુષ્યંત ચૌધરીએ યુવતીઓના પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ ધરાવતો ઓસ્ટ્રિયાનો એક ઓફર લેટર આપ્યો હતો અને જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૫માં ઓસ્ટ્રિયા જવાનું નક્કી છે. આ નકલી ઓફર લેટર પર વિશ્વાસ રાખીને યુવતીઓએ બીજા રૂપિયા ૪.૩૦ લાખ ચૂકવી દીધા હતા.
જો કે, રૂપિયા મેળવી લીધા બાદ એજન્ટ ભાઈઓએ ઓસ્ટ્રિયા મોકલવાને બદલે જ્યોર્જિયાના વિઝા અપાવવાનું કહીને ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા અને કોઈ યોગ્ય કાર્યવાહી કરી નહોતી. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવતીઓએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે બંને આરોપી ભાઈઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે, તેમજ આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો ફસાયા છે તે દિશામાં પણ તપાસ લંબાવી છે.