National

ભારતીય રેલવેનો કડક નિર્ણય: હવે ટિકિટ વિના મુસાફરી કરશો તો 500 દંડ

ભારતીય રેલવેએ મુસાફરો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરનારાઓને પહેલા કરતાં વધુ દંડ ભરવો પડશે. રેલવે મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા છે, જેના મુજબ બિનટિકિટ મુસાફરી અથવા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ માટેનો લઘુત્તમ વધારાનો દંડ 250માંથી વધારીને 500 કરવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરોમાં નિયમોનું પાલન વધે અને ટ્રેન સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી દંડની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો, તેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા નિયમો અમલમાં લાવવામાં આવ્યા છે. માત્ર ટિકિટ વિના મુસાફરી જ નહીં, પરંતુ રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, પરવાનગી વગર ફેરી કરવી, મહિલાઓ માટે અનામત કોચમાં પુરુષો દ્વારા બળજબરીથી પ્રવેશ કરવો અને રેલવે કર્મચારીઓની સૂચનાઓનું પાલન ન કરવું જેવા કિસ્સાઓમાં પણ દંડની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, રેલવે અધિનિયમ 1989માં કરવામાં આવેલા આ સુધારા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) અધિનિયમ, 2026’ હેઠળ 19 જૂનથી અમલમાં આવ્યા છે. નવા નિયમોનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ મુસાફરોમાં જવાબદારી અને નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે બિનટિકિટ મુસાફરીના કારણે રેલવેને દર વર્ષે મોટું આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કારણે અન્ય મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આવા કિસ્સાઓ પર નિયંત્રણ મેળવવા માટે દંડની રકમમાં વધારો જરૂરી બન્યો હતો. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને જણાવ્યું કે નવા નિયમોથી મુસાફરોમાં શિસ્ત વધશે અને ટિકિટ લઈને મુસાફરી કરવાની ટેવ મજબૂત બનશે. સાથે જ રેલવે પરિસરમાં વ્યવસ્થા જાળવવામાં પણ મદદ મળશે. રેલવેનું માનવું છે કે આ નિર્ણયથી બિનટિકિટ મુસાફરીના કેસોમાં ઘટાડો થશે અને મુસાફરો વધુ જવાબદારીપૂર્વક પ્રવાસ કરશે. હવે મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં માન્ય ટિકિટ જરૂર ખરીદે અને તમામ નિયમોનું પાલન કરે, જેથી વધારાના દંડ અને કાનૂની કાર્યવાહીથી બચી શકાય.

Most Popular

To Top