India

મુંબઈથી અમદાવાદ ફક્ત 2 કલાકમાં પહોંચાડતી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં શરૂ થયું પ્રથમ અંડરસી ટનલનું કામ

ભારતમાં પ્રથમ વખત દોડનારી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે નવી દિલ્હીમાં આવેલી પોતાની બિલ્ડિંગના ગેટ નંબર-4 પર ટ્રેનની ડિઝાઇનનું પ્રદર્શન કર્યું છે. આ તસવીરમાં ટ્રેનનો અત્યંત આધુનિક અને એરોડાયનેમિક લુક જોવા મળે છે, જે જાપાન જેવી હાઇ-સ્પીડ ટ્રેનોની યાદ અપાવે છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. કુલ 508 કિલોમીટર લાંબા આ રૂટ પર બુલેટ ટ્રેન દોડશે. આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017માં સાબરમતી ખાતે લોન્ચ કર્યો હતો. હાલ સરકારનું લક્ષ્ય 15 ઓગસ્ટ 2027 સુધીમાં આ સેવા શરૂ કરવાનો છે. બુલેટ ટ્રેન શરૂ થયા પછી મુસાફરીમાં ક્રાંતિ આવી શકે છે. હાલમાં મુંબઈથી અમદાવાદ જવા માટે ટ્રેન અથવા બસમાં ઘણા કલાકો લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન આ અંતર માત્ર અંદાજે 2 કલાકમાં પૂર્ણ કરશે. આ કારણે વેપાર, પ્રવાસન અને રોજગારીમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે.

આ હાઇ-સ્પીડ ટ્રેન રૂટ પર કુલ 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી શરૂઆત થશે અને પછી થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા મહત્વના શહેરોનો સમાવેશ થશે. ખાસ કરીને સુરત અને વડોદરા જેવા ગુજરાતના મોટા શહેરોને આ પ્રોજેક્ટથી સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટનું સૌથી ખાસ અને ચર્ચાસ્પદ પાસું છે દેશની પહેલી અંડરસી ટનલ. મુંબઈના વિક્રોલી વિસ્તારમાં હાલમાં ટનલ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અહીં વિશાળ ટનલ બોરિંગ મશીનનું કટરહેડ જમીનની અંદર ઉતારવામાં આવ્યું છે. 13.6 મીટર વ્યાસ ધરાવતું આ મશીન આશરે 350 ટન વજનનું છે. મુંબઈ વિસ્તારમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. જેમાંથી લગભગ 7 કિલોમીટર ટનલ થાણે ક્રિકની નીચે સમુદ્રની અંદરથી પસાર થશે. આ ભારતની પહેલી અંડરસી રેલ ટનલ હશે. આ ટનલ પ્રોજેક્ટને દેશના એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ઘણા મોટા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. ગર્ડર પ્લેસમેન્ટ અને વાયર ડક્ટ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે હાલમાં ટ્રેક બિછાવવાનું અને ઇલેક્ટ્રિકલ વાયરિંગનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની ટેકનોલોજી અને સહયોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અત્યંત સુરક્ષિત, ઝડપી અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ, આરામદાયક બેઠક વ્યવસ્થા અને સમયની મોટી બચત મળશે. ભારતમાં પહેલીવાર શરૂ થનારી આ બુલેટ ટ્રેન માત્ર એક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ નથી, પરંતુ દેશના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીકલ વિકાસનું પ્રતિક પણ માનવામાં આવી રહી છે. આગામી બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત વિશ્વના તે દેશોની યાદીમાં સામેલ થશે, જ્યાં હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન સેવા ઉપલબ્ધ છે.

Most Popular

To Top