NSUIના સિગ્નેચર કેમ્પેઈન પર પોલીસે ફેરવ્યું પાણી
પ્રમુખ અમર વાઘેલા સહિતના કાર્યકરો ડિટેન,વાલીઓમાં નારાજગી




( પ્રતિનિધિ )વડોદરા,તા.21
એક તરફ દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના સપના સાથે નીટ યુજીની પરીક્ષા આપી રહ્યા હતા, તો બીજી તરફ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્ર બહાર રાજકીય વિરોધનો માહોલ ગરમાયો હતો. પેપર લીકની ઘટનાઓ સામે અવાજ ઉઠાવવા માટે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના કાર્યકરો સિગ્નેચર કેમ્પેઈન કરવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા.
પરીક્ષાના દિવસે જ કેન્દ્ર બહાર આવી હિલચાલ થતા સયાજીગંજ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા એનએસયુના શહેર પ્રમુખ અમર વાઘેલા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ વાનમાં બેસાડી તમામને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. સામાન્ય રીતે વિરોધ પ્રદર્શન સરકારી કચેરીઓ કે જાહેર સ્થળોએ થતા હોય છે. પરંતુ પરીક્ષાર્થીઓ જ્યારે તણાવમાં હોય, મહિનાઓની મહેનતની કસોટી આપતા હોય એવા સમયે પરીક્ષા કેન્દ્ર બહાર જ વિરોધ થતા વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વાલીઓના મતે આ પ્રકારની રાજનીતિ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે. ન્યાયની લડાઈ યોગ્ય છે, પરંતુ સ્થળ અને સમયની પસંદગી યોગ્ય હતી? એ સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, દેશમાં નીટની એક્ઝામના પેપરો લીક થયા છે. આજે રી-નીટનો કાર્યક્રમ હતો. અમે ફક્ત વાલીઓ પાસે વિદ્યાર્થીઓના હિત માટે સિગ્નેચર કેમ્પેઈન રાખ્યું હતું, જેથી આગળની મુહિમ ચલાવી શકીએ. પરંતુ અમે વાલીઓને મળીએ એ પહેલા જ પોલીસે અમને ડિટેન કરી લીધા. આ લોકશાહીનું હનન કહેવાય. બોલવામાં પણ આ લોકોને બીક લાગી રહી છે. ક્યાંક ને ક્યાંક સરકાર અને પોલીસ બી રહી છે, તેથી જ અમને ડિટેન કરવામાં આવ્યા. બીજી તરફ પોલીસનું કહેવું છે કે પરીક્ષા જેવા સંવેદનશીલ સમયે કેન્દ્ર બહાર કોઈપણ પ્રકારની ભીડ કે હિલચાલ વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ કરી શકે છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પગલાં લેવાયા હતા. એકંદરે, પેપર લીક સામેની લડાઈ અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ વચ્ચે વિરોધનું સ્થળ અને સમય કયું યોગ્ય, એ મુદ્દો હાલ વડોદરામાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે.