National

રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા

મધ્યપ્રદેશના રતલામ નજીક દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં શનિવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, રેલવે તંત્રની ઝડપી કામગીરી અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તેમની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. માહિતી મુજબ, 12431 તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ શુક્રવારે કેરળના તિરુવનંતપુરમથી દિલ્હી માટે રવાના થઈ હતી. ટ્રેને લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપી લીધું હતું અને તે સમયે તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નજીક પહોંચવાની તૈયારીમાં હતી. ટ્રેનને બપોરે 12:30 વાગ્યે હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચવાનું હતું. આ દરમિયાન મધ્યપ્રદેશના રતલામ નજીક ટ્રેનના ગાર્ડ વાન અને એક કોચમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ રેલવે સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ તરત જ પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી.

પશ્ચિમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગ લાગ્યા બાદ અસરગ્રસ્ત ગાર્ડ વાન અને કોચને તરત જ ટ્રેનના રેકથી અલગ કરી દેવામાં આવ્યા હતા જેથી આગ વધુ ફેલાય નહીં. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢીને અન્ય કોચમાં બેસાડવામાં આવ્યા હતા. ખાસ કરીને કોટા સુધી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનને સવારે લગભગ 9:45 વાગ્યે ફરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનની સંપૂર્ણ ક્ષમતા પુનઃસ્થાપિત કરવા માટે કોટા સ્ટેશન પર એક વધારાનો કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાની અસર માત્ર રાજધાની એક્સપ્રેસ પૂરતી મર્યાદિત રહી નહોતી. આગ અને બચાવ કામગીરીના કારણે આ રૂટ પર રેલ ટ્રાફિક પણ ભારે પ્રભાવિત થયો હતો. ઓછામાં ઓછી 18 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવો પડ્યો હતો. કેટલીક ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી, જ્યારે કેટલીક ટ્રેનો મોડેથી દોડાવવામાં આવી હતી.

અસરગ્રસ્ત ટ્રેનોમાં મુંબઈના બાંદ્રા ટર્મિનસ અને બિહારના બરૌની જંક્શન વચ્ચે દોડતી અવધ એક્સપ્રેસ, હઝરત નિઝામુદ્દીન-મુંબઈ દુરંતો એક્સપ્રેસ, હઝરત નિઝામુદ્દીન-પુણે સ્પેશિયલ ટ્રેન, હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને નવી દિલ્હી-ઇન્દોર એક્સપ્રેસ જેવી મહત્વપૂર્ણ ટ્રેનોનો સમાવેશ થાય છે. ઘટના બાદ રેલવે તંત્રે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ટેકનિકલ ખામી અથવા ઇલેક્ટ્રિકલ સમસ્યાને લઈને પ્રાથમિક તપાસ ચાલી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. મોટી દુર્ઘટના ટળી જતાં મુસાફરો અને તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Most Popular

To Top