Vadodara

રી-નીટ યુજીની પરીક્ષા માટે કડક સુરક્ષા,ડબલ લેયરમાં પરિક્ષાર્થીઓનું ચેકીંગ

પેપર મધ્યમ રહ્યું,બાયોલોજી સરળ ફિઝિક્સ ટફ લાગતા માર્ક્સ પર અસર થવાની ભીતિ

પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્રો અને સંબંધિત સામગ્રીને પોલીસ એસ્કોર્ટ સાથે સુરક્ષિત રીતે લઈ જવાય

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

પેપર લીક થયા બાદ રાજ્યમાં નીટ યુજીની ફરી પરીક્ષા યોજાય હતી. જેમાં રાજ્યના 211 અને વડોદરા શહેરના 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં શહેરમાંથી છ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ વખતે વિદ્યાર્થીઓને સવારે 11:00 વાગ્યાથી જ 1:30 વાગ્યા સુધીમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો અને સાંજે સાડા પાંચ વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ હતી. ગત વખત કરતા આ વખતે બાયોલોજી થોડું સરળ અને ફિઝિક્સ થોડું અઘરું પુછાયુ હતું. જેના કારણે માર્ક્સ પર અસર થઈ શકે છે.

રી-નીટ યુજીની પરીક્ષા શહેરમાં નિર્વિઘ્ને યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ વખતે કેટલાક વિદ્યાર્થીઓને પેપર સરળ તો કેટલાક વિદ્યાર્થીઓને ટફ લાગ્યું હતું. બાયોલોજી સરળ અને ફિઝિક્સ હાર્ડ લાગ્યું હતું. જેના કારણે માર્ક્સ પર અસર થવાની ભીતિ સેવાઈ હતી. વડોદરા શહેરમાં નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શહેરના 17 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 6 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને પરીક્ષા સત્તાધીશો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર થ્રી-લેયર સિક્યુરિટી ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામ આવ્યો હતો. સાથે જ એનટીએની માર્ગદર્શિકાનું કડક પાલન કરવામ આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. તાજેતરમાં પેપર લીકની ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓએ માંગ કરી છે કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય અને ફરી કોઈ પેપર લીક જેવી ઘટના ન બને, કારણ કે તે દેશના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ જાહેરનામું પણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્રો અને સંબંધિત સામગ્રીને પણ પોલીસ એસ્કોર્ટ સાથે સુરક્ષિત રીતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે પરીક્ષા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો થોડા મુશ્કેલ લાગ્યા :

આ વખતની પરીક્ષામાં બાયોલોજીનું પેપર પાછલા પેપર કરતાં ઘણું સરળ રહ્યું, તેથી વધુ મુશ્કેલી પડી નહીં. પ્રશ્નો સીધા અને સિલેબસ આધારિત હતા. જેના કારણે આત્મવિશ્વાસ સાથે પેપર લખી શકાયું. એમએસસીનું પેપર મોડરેટ લેવલનું રહ્યું.થિયરીનો ભાગ સારો ગયો, પરંતુ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો થોડા મુશ્કેલ લાગ્યા. એ ભાગમાં વધુ સમય ફાળવવો પડ્યો. જોકે ફિઝિક્સનું પેપર આ વખતે ટફ રહ્યું. ન્યુમેરિકલ અને કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નોનું પ્રમાણ વધુ હતું. ગયા વખતના પેપરની સરખામણીમાં આ વખતનું પેપર થોડું લેન્ધી પણ લાગ્યું. બધા સેક્શન પૂરા કરવામાં સમય ઓછો પડ્યો. એકંદરે, ફરીથી એ જ પરીક્ષા આપવાનો અનુભવ ઘણો તણાવપૂર્ણ રહ્યો. માનસિક રીતે તૈયાર હોવા છતાં, પેપરની લંબાઈ અને મુશ્કેલીને કારણે દબાણ અનુભવાયું. : રેહાન ખાન પઠાણ, વિદ્યાર્થી

ગત વખત કરતા આજનું પેપર થોડું વધુ લેન્ધી અને કેલ્ક્યુલેશન બેઝ્ડ લાગ્યુ :

પેપર મોડરેટ લેવલ નું ગણાઈ રહ્યું છે. સમય વ્યવસ્થાપન મહત્વનું રહ્યું. એનસીઈઆરટી આધારિત પ્રશ્નોનું પ્રમાણ સારું હતું જેથી વિદ્યાર્થીઓ લખી શક્યા. ફિઝિક્સ સૌથી મુશ્કેલ વિભાગ રહ્યો ન્યુમેરિકલ્સ અને કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો વધારે હતા જેથી વિદ્યાર્થીઓને ફિઝિક્સ ઘણો સમય ખાવ લાગ્યો. પાછલા પેપર કરતાં આજનું પેપર થોડું વધુ લેન્ધી અને કેલ્ક્યુલેશન બેઝ લાગ્યુ. કેમેસ્ટ્રીનું પેપર મોડરેટ લેવલનું રહ્યું ઓર્ગેનિક અને એનસીઈઆરટી આધારિત પ્રશ્નો વધારે પૂછવામાં આવ્યા જે વિદ્યાર્થીઓએ સારી તૈયારી કરી તેમના માટે પેપર સ્કોરિંગ રહ્યું, પાછલા પેપરની સરખામણીમાં લગભગ સરળ અને સમાન જ રહ્યું. બાયોલોજીનું પેપર સૌથી સરળ અને સ્કોરિંગ વિભાગનું રહ્યું એનસીઈઆરટી પરથી સીધા તથા સ્ટેટમેન્ટ બેઝડ પ્રશ્ન પૂછવામાં આવ્યા જે વિદ્યાર્થીઓએ સારી રીતે એનસીઈઆરટી વાંચ્યું છે, તેમને ફાયદો થયો. ઓવર ઓલ પેપર મોડરેટ લેવલનું હતું જ્યારે ઘણા વિદ્યાર્થીઓ અગાઉના પેપરને મોડરેટ ટુ ઇઝી જણાવ્યું હતુ : રવિ વઢવાણા, એજ્યુકેશન એક્સપર્ટ

100 કિમી બોડેલીથી આવ્યા છતાં એલસી માગ્યું :

વડોદરામાં આધાર અને ફોર્મમાં નામમાં મિસ મેચ થતાં વિદ્યાર્થીઓ પાસે એલસી માગવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, બોડેલીથી આવેલા વિદ્યાર્થી પાસે પણ ઓરિજિનલ એલસી માગવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ફોટો સાઈઝના ઇશ્યૂને લઈ પ્રવેશ ન અપાયો! કેટલાક વિધાર્થીઓના ફોટો સાઈઝના ઇશ્યૂને લઈ પ્રવેશ ન આપતા ફરી ફોટો કઢાવવા દોડ્યા હતા : સોહિલ ખત્રી,વાલી

વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ દોડાવ્યા :

પરીક્ષામાં પ્રવેશ માટે આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, હોલ ટિકિટ અને પારદર્શક પાણીની બોટલ જેવી વસ્તુઓ ફરજીયાત હતી. જોકે, વડોદરાના કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ફોટો સાઈઝના ઈશ્યુ તેમજ આધાર કાર્ડ અને ફોર્મમાં નામના મિસમેચના કારણે પ્રવેશ ન મળતા મુશ્કેલી ઊભી થઈ હતી. આના કારણે ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવતા, 100 કિલોમીટર દૂર બોડેલીથી આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ એક ઉત્સાહી વિદ્યાર્થિની ટાઈફોઈડ હોવા છતાં ગ્લુકોઝની બોટલ સાથે પરીક્ષા આપવા પહોંચી હતી.

Most Popular

To Top