World

ફરી એક નવા યુદ્ધની આહટ? તાઈવાનની સરહદે ચીનના યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોનો જમાવડો

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈરાન અને ઈઝરાયલ-લેબેનોન વચ્ચેનો તણાવ હાલ માંડ થોડો શાંત પડ્યો, ત્યાં વળી એશિયામાં હવે એક નવા સંભવિત સંઘર્ષના સંકેતો જોવા મળી રહ્યા છે. ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વધતા તણાવ વચ્ચે ચીને ફરી એકવાર તાઈવાનની આસપાસ મોટા પાયે સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ છેલ્લા બે દિવસમાં ચીનના ડઝનો ફાઇટર જેટ્સ, યુદ્ધજહાજો અને સરકારી જહાજો તાઈવાનની આસપાસ સક્રિય જોવા મળ્યા છે. તાઈવાને આરોપ લગાવ્યો છે કે ચીન સતત તેની હવાઈ અને દરિયાઈ સીમાઓની નજીક સૈન્ય દબાણ વધારી રહ્યું છે. રવિવારે જાહેર કરાયેલી માહિતી અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના 21 જેટલા સૈન્ય વિમાનો અને પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN)ના 8 યુદ્ધજહાજો તાઈવાનની આસપાસ જોવા મળ્યા હતા. આ ઉપરાંત 4 સરકારી જહાજો પણ વિસ્તારમાં સક્રિય હતા.

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ચીનના 19 જેટલા વિમાનો તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)ના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ આ વિમાનો પશ્ચિમ પ્રશાંત મહાસાગર તરફ આગળ વધ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તાઈવાનની વાયુસેના અને નૌકાદળ સતત સતર્ક સ્થિતિમાં રહ્યા હતા અને તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. માત્ર રવિવારે જ નહીં, પરંતુ શનિવારે પણ ચીનની સૈન્ય ગતિવિધિઓમાં વધારો નોંધાયો હતો. તાઈવાનના જણાવ્યા અનુસાર, 20 જૂને ચીનના 5 ફાઇટર પ્લેન, 9 યુદ્ધજહાજો અને 5 સરકારી જહાજો તાઈવાનની આસપાસ ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક ચીની વિમાન તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરીને ADIZ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. ત્યારબાદ તાઈવાની સેનાએ તરત જ જવાબી કાર્યવાહી કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. છેલ્લા 21 દિવસના આંકડાઓ વધુ ચિંતાજનક છે. તાઈવાનના દાવા મુજબ આ સમયગાળા દરમિયાન ચીનના સૈન્ય વિમાનો 177 વખત, યુદ્ધજહાજો 156 વખત અને સરકારી જહાજો 84 વખત તાઈવાનની આસપાસ જોવા મળ્યા છે. આ આંકડા દર્શાવે છે કે ચીન સતત સૈન્ય દબાણ વધારવાની રણનીતિ અપનાવી રહ્યું છે.

ચીન અને તાઈવાન વચ્ચેનો વિવાદ કોઈ નવો નથી. વર્ષોથી ચીન તાઈવાનને પોતાના દેશનો ભાગ ગણાવે છે અને ભવિષ્યમાં તેને ચીન સાથે જોડવાની વાત કરતું આવ્યું છે. બીજી તરફ તાઈવાન પોતાને સ્વતંત્ર અને લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ માને છે. તાઈવાનનું કહેવું છે કે તેની પોતાની સરકાર, સૈન્ય, અર્થવ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા છે, તેથી તેને સ્વતંત્ર અસ્તિત્વનો અધિકાર છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે લાંબા સમયથી રાજકીય અને કૂટનીતિક મતભેદો ચાલી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને તાઈવાનની આસપાસ સૈન્ય કવાયત, ફાઇટર જેટ્સની ઉડાન, ડ્રોન પેટ્રોલિંગ અને યુદ્ધજહાજોની તૈનાતી વધારી દીધી છે. વિશ્લેષકોના મતે, ચીન આ રીતે તાઈવાન પર માનસિક અને વ્યૂહાત્મક દબાણ બનાવવા માંગે છે.

બીજી તરફ તાઈવાન પણ પોતાની સુરક્ષા ક્ષમતાઓ મજબૂત બનાવી રહ્યું છે. અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશો તાઈવાનને રક્ષણાત્મક સહયોગ અને આધુનિક સૈન્ય સાધનો પૂરા પાડી રહ્યા છે. જેના કારણે ચીન અને તાઈવાન વચ્ચેનો તણાવ માત્ર પ્રાદેશિક મુદ્દો નહીં, પરંતુ વૈશ્વિક વ્યૂહાત્મક ચિંતાનો વિષય બની ગયો છે. હાલ બંને પક્ષો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો નથી, પરંતુ વધતી સૈન્ય ગતિવિધિઓ અને એકબીજા સામેના આક્રમક વલણને કારણે સમગ્ર વિશ્વની નજર હવે તાઈવાન સ્ટ્રેટ પર ટકેલી છે. જો સ્થિતિ વધુ બગડશે તો તેની અસર માત્ર એશિયા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડી શકે છે.

Most Popular

To Top