ધમકીઓથી કંટાળી ૨૬ વર્ષીય શાહરુખ દીવાને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, ચાર શખ્સો સામે પરિવારના આક્ષેપો
(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૧
વડોદરા :- શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કેટલાક અસામાજિક તત્વોના ત્રાસ અને સતત મળતી જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને એક ૨૬ વર્ષીય યુવાને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે, શાહરુખને તેના જ મિત્રો દ્વારા નશાનો કાળો કારોબાર કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો હતો. હાલ યુવક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ઘટનાની વિગત એવી છે કે, તાંદલજા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના શાહરુખ દીવાન નામના યુવકને છેલ્લા કેટલાક સમયથી તેના જ કેટલાક મિત્રો હેરાન-પરેશાન કરી રહ્યા હતા. પરિવારના સભ્યોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, શાહરુખના મિત્રો તેને નશીલા પદાર્થો (ડ્રગ્સ) વેચવાના ધંધામાં જોડાવા માટે સતત ટોર્ચર કરી રહ્યા હતા. શાહરુખ એક સજ્જન યુવાન હોઈ, તેણે આ ગેરકાયદેસર અને અસામાજિક કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
શાહરુખે નશાનો સામાન વેચવાની મનાઈ કરતા જ તેના મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા. છેલ્લા કેટલાય દિવસોથી આ શખ્સો દ્વારા શાહરુખને રસ્તામાં રોકીને તેમજ ફોન પર ‘જો તું અમારી સાથે આ ધંધામાં નહીં જોડાય તો તને જાનથી મારી નાખીશું’ તેવી ગંભીર ધમકીઓ આપવામાં આવી રહી હતી. આ સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસના કારણે શાહરુખ ભારે ડિપ્રેશનમાં આવી ગયો હતો. આખરે આ રોજ-રોજના ટોર્ચરથી કંટાળીને ગઈકાલે તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને ઘરમાં રાખેલું એસિડ ગટગટાવી લીધું હતું.
શાહરુખે એસિડ પી લેતા જ તેની તબિયત લથડી હતી. જોકે, પરિવારે સમયસૂચકતા દાખવીને તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તાકીદે તેની સારવાર શરૂ કરી દીધી હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે વિસ્તારના જ ચાર યુવકોના અસહ્ય ટોર્ચરના કારણે જ શાહરુખે આ પગલું ભર્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.