ભારત-નેપાળ સરહદ વિવાદને લઈને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પોતાના અગાઉના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી મુદ્દાઓના ઉકેલ માટે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. નેપાળ આ તમામ પ્રશ્નોનો ઉકેલ ભારત સાથે સીધી અને રાજદ્વારી વાતચીત દ્વારા જ લાવવા માંગે છે. ચિતવન જિલ્લામાં યોજાયેલા રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના એક કાર્યક્રમમાં બોલતા બાલેન શાહે કહ્યું કે નેપાળ પાસે પોતાના દાવાને સમર્થન આપતા પૂરતા ઐતિહાસિક અને દસ્તાવેજી પુરાવા છે. તેથી સરહદ વિવાદનો ઉકેલ પુરાવા અને પરસ્પર ચર્ચાના આધારે જ શક્ય છે. તેમણે ઉમેર્યું કે તેમના રાષ્ટ્રવાદ પર કોઈએ શંકા કરવાની જરૂર નથી.
બાલેન શાહનું આ નિવેદન તેમના અગાઉના નિવેદન બાદ આવ્યું છે. 31 મેના રોજ નેપાળની સંસદમાં બોલતા તેમણે કહ્યું હતું કે સરહદ વિવાદ મુદ્દે નેપાળે બ્રિટન સાથે પણ ચર્ચા કરી છે, કારણ કે બ્રિટિશ શાસનકાળના કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો બ્રિટન પાસે ઉપલબ્ધ છે. તેમના આ નિવેદન બાદ નેપાળમાં રાજકીય વર્તુળો, વિદેશ નીતિના નિષ્ણાતો અને સરહદ વિશ્લેષકો દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી. ભારતે પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેના સરહદી મુદ્દાઓ સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને દેશો પહેલેથી જ સ્થાપિત રાજદ્વારી માળખા હેઠળ ચર્ચા કરી રહ્યા છે અને પ્રશ્નોના ઉકેલ માટે તે જ યોગ્ય માર્ગ છે.
ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારને લઈને લાંબા સમયથી મતભેદ છે. હાલમાં આ વિસ્તારો ભારતના વહીવટ હેઠળ છે, જ્યારે નેપાળ તેને પોતાની જમીનનો ભાગ ગણાવે છે. તેમ છતાં બંને દેશો હંમેશાં શાંતિપૂર્ણ વાતચીત અને પરસ્પર સમજૂતી દ્વારા વિવાદ ઉકેલવાના પક્ષમાં રહ્યા છે. બાલેન શાહના તાજેતરના નિવેદનને ભારત-નેપાળ સંબંધોમાં તણાવ ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે બંને દેશો વચ્ચેની આગામી રાજદ્વારી ચર્ચાઓ પર સૌની નજર રહેશે.