Entertainment

‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ

હોલિવુડના જાણીતા અભિનેતા જિયાનકાર્લો એસ્પોસિટો હાલમાં પોતાના ધર્મ પરિવર્તનના સમાચારને કારણે ચર્ચામાં છે. ‘બ્રેકિંગ બેડ’, ‘બેટર કોલ સોલ’, ‘ધ બોયઝ’ અને ‘ધ માંડલોરિયન’ જેવી લોકપ્રિય સિરીઝમાં યાદગાર અભિનય કરનાર જિયાનકાર્લોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હોવાના દાવા સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, જિયાનકાર્લો સાઉદી અરેબિયામાં પોતાની આગામી ફિલ્મ ‘7 ડોગ્સ’ના શૂટિંગ માટે ગયા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સની હાજરીમાં શહાદા પઢીને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. શહાદા ઇસ્લામ ધર્મમાં પ્રવેશ માટેની મહત્વપૂર્ણ ધાર્મિક પ્રક્રિયા માનવામાં આવે છે.

આ સમાચારને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે સાઉદી અરેબિયાની જનરલ એન્ટરટેઇનમેન્ટ ઓથોરિટીના ચેરમેન તૂર્કી અલ-શેખે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં જિયાનકાર્લો કેટલાક લોકો સાથે મસ્જિદમાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તૂર્કી અલ-શેખે પોતાના પોસ્ટમાં લખ્યું કે જિયાનકાર્લો સાઉદી અરેબિયામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન મુસ્લિમ સમુદાય સાથે નજીકથી જોડાયા હતા. ત્યાંના લોકો સાથેના સકારાત્મક અનુભવ અને ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. જોકે, જિયાનકાર્લો એસ્પોસિટોએ પોતે આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેમ છતાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને પોસ્ટને કારણે તેમના ધર્મ પરિવર્તનની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.

જિયાનકાર્લો એસ્પોસિટો હોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અને લોકપ્રિય કલાકારોમાંના એક ગણાય છે. ખાસ કરીને ‘બ્રેકિંગ બેડ’માં ગુસ્તાવો ફ્રિંગના પાત્ર માટે તેમને વૈશ્વિક ઓળખ મળી હતી. ઉપરાંત ‘બેટર કોલ સોલ’, ‘ધ બોયઝ’, ‘ગોડફાધર ઓફ હાર્લેમ’ અને ‘ડૂ ધ રાઇટ થિંગ’ જેવી અનેક સફળ કૃતિઓમાં પણ તેમણે પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર તેમના ઇસ્લામ ધર્મ અપનાવવાના સમાચાર અને નમાઝ અદા કરતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ચાહકો અને મનોરંજન જગતમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top